અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 1 જૂન 2026ના રોજ શરમજનક ઘટના બની. પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીને ચાંગોદર પોલીસ સ્ટેશનના PSI સોનલ રાઠોડ ઢોરમાર માર્યો. આ અંગે અમદાવાદ શહેર પોલીસે ગુનો દાખલ કરેલ નથી. ‘RPWD-Rights of Persons with Disabilities Act, 2016ની કલમ- 92 મજબ આ કોગ્નિઝેબલ ગુના માટે દ્રષ્ટિહીનને ઢોરમાર મારવા સબબ PSI સોનલ રાઠોડને 5 વર્ષની જેલ થાય!
એટલે જ ગુજરાત યુનિવર્સિટીના PI એસ.આર. બાવા/ ACP કણસાગરા/ DCP હર્ષદ પટેલ/ સેક્ટર બડગુજર/ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક PSI સોનલ રાઠોડ સામે ગુનો દાખલ કરતા નથી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ કોર્ટ સમક્ષ રજૂ થાય/ પીડિત ગોપાલભાઈની શરીર સ્થિતિનું પંચનામું/ મેડિકલ રિપોર્ટ સજા કરવા માટે પૂરતા છે. એટલે જ પોલીસે ગોપાલભાઈનું શરીર સ્થિતિનું પંચનામું ઘટનાને ચાર દિવસ થયા છતાં કર્યું નથી કે મેડિકલ તપાસ કરાવી નથી.
ગોપાલભાઈ ભયભીત છે. તેઓ ફરિયાદ કરતા ડરે છે. તેમણે અલગ અલગ મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યા છે તે મુજબ તેઓ જાણે આતંકવાદી હોય તેવું વર્તન તેમની સાથે પોલીસે કર્યું છે. જ્યારે ઘટના બની ત્યારે ગોપાલભાઈને તેમની કેબિન બંધ કરવાનો મોકો પણ પોલીસે આપ્યો ન હતો અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પાંચ કલાક ભૂખ્યા બેસાડી રાખ્યા હતા. તેમને બપોરનું ભોજન લેવાની તક પણ આપી ન હતી.
Rights of Persons with Disabilities Act, 2016ની મહત્વની જોગવાઈઓ શું છે ?
[1] દિવ્યાંગોના સશક્તિકરણ અને તેમના હકોના રક્ષણ માટેનો એક ઐતિહાસિક કાયદો છે. આ કાયદાએ દિવ્યાંગતાને માત્ર એક ‘કલ્યાણનો વિષય’ મટાડીને ‘માનવ અધિકાર’ તરીકે સ્થાપિત કર્યો છે. વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે થતા ભેદભાવ અટકાવવા અને સમાજમાં તેમને સમાન તકો તેમજ સન્માન અપાવવા માટે બનાવવામાં આવ્યો છે.
[2] દિવ્યાંગતાના પ્રકારોમાં વધારો: અગાઉના 1995ના કાયદામાં માત્ર 7 પ્રકારની દિવ્યાંગતા સામેલ હતી, જેને વધારીને આ કાયદા હેઠળ 21 કરવામાં આવી છે. જેમાં માનસિક બીમારી, ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિઓ, સ્પીચ-લેંગ્વેજ ડિસેબિલિટી, તેમજ થેલેસેમિયા, હિમોફિલિયા અને સિકલસેલ જેવા લોહીના વિકારો અને એસિડ એટેક ભોગ બનેલા લોકોનો પણ સમાવેશ કરાયો છે.
[3] શિક્ષણમાં અનામત: બેન્ચમાર્ક દિવ્યાંગતા (40% કે તેથી વધુ દિવ્યાંગતા) ધરાવતા બાળકો માટે સરકારી કે સરકાર અનુદાનિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 5% અનામત રાખવામાં આવી છે.
[4] સરકારી નોકરીમાં અનામત: સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે અનામતની ટકાવારી 3% થી વધારીને 4% કરવામાં આવી છે.
[5] મફત શિક્ષણ: 6 થી 18 વર્ષની ઉંમરના બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા દરેક બાળકને મફત શિક્ષણનો અધિકાર છે.
[6] દિવ્યાંગોના મુખ્ય અધિકારો સમાનતા અને સમાન તક: કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ સાથે તેની દિવ્યાંગતાના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. તેમને પણ અન્ય નાગરિકોની જેમ સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. સુગમ્યતા (Accessibility): જાહેર સ્થળો, સરકારી ઈમારતો, પરિવહન (બસ, રેલ્વે, એરપોર્ટ) અને ડિજિટલ સેવાઓ કે વેબસાઈટ્સને દિવ્યાંગો સરળતાથી વાપરી શકે (Barrier-free) તેવી બનાવવી ફરજિયાત છે. પ્રજનન અને કૌટુંબિક અધિકાર: દિવ્યાંગ મહિલાઓ કે પુરુષોને તેમની મરજી વિરુદ્ધ તબીબી પ્રક્રિયાઓ (જેમ કે તેમની સંમતિ વિના ગર્ભપાત કરાવવો) માંથી રક્ષણ આપવામાં આવ્યું છે. ન્યાય મેળવવાનો અધિકાર: ન્યાયિક પ્રક્રિયાઓમાં દિવ્યાંગો સરળતાથી ભાગ લઈ શકે તે માટે કોર્ટ અને કાયદાકીય દસ્તાવેજો તેમની અનુકૂળતા મુજબ ઉપલબ્ધ કરાવવાના રહેશે.
[7] ગુનેગારો સામે કાર્યવાહી અને સજા : જો કોઈ વ્યક્તિ આ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે અથવા દિવ્યાંગ વ્યક્તિ સાથે અત્યાચાર કરે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહીની જોગવાઈ છે.સામાન્ય ઉલ્લંઘન માટે: જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત કાયદાના નિયમોનો ભંગ કરે, તો તેને ₹10,000 સુધીનો દંડ થઈ શકે છે. બીજી કે ત્યારબાદના ભંગ માટે આ દંડ ₹50,000 થી વધુ થઈ શકે. કલમ-92 મુજબ જો કોઈ વ્યક્તિ જાણીજોઈને (ઈરાદાપૂર્વક) કોઈપણ દિવ્યાંગ વ્યક્તિને જાહેરમાં (લોકોની હાજરીમાં) અપમાનિત કરવાના કે ડરાવવા-ધમકાવવાના ઈરાદાથી તેમનું અપમાન કરે કે તેમના પર હુમલો કરે કે બળપ્રયોગ કરે કે શારીરિક , માનસિક શોષણ કરે કે જાણીજોઈને તેમને ખાવા-પીવામાં કે અન્ય જરૂરી સુવિધાઓથી વંચિત રાખે, દિવ્યાંગ સ્ત્રીઓની લાજ લૂંટવાનો પ્રયાસ કરે, અથવા દિવ્યાંગના વ્હીલચેર/ સાધનોને નુકસાન પહોંચાડે, તો તેને 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલની સજા અને દંડ બંને થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ખોટી રીતે દિવ્યાંગ હોવાનો દાવો કરીને સરકારી લાભો લેવાનો પ્રયાસ કરે, તો તેને 2 વર્ષ સુધીની જેલ અને ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.આ કેસોની ઝડપી સુનાવણી થાય તે માટે દરેક જિલ્લામાં ખાસ અદાલતો (Special Courts) સ્થાપવાની જોગવાઈ છે.
[8] તકેદારી અને દેખરેખ તંત્ર : આ કાયદાના અમલીકરણ પર નજર રાખવા અને ફરિયાદોના નિવારણ માટે મજબૂત વહીવટી માળખું બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય અને રાજ્ય સલાહકાર બોર્ડ (Central & State Advisory Boards): આ બોર્ડ દિવ્યાંગો માટેની નીતિઓ ઘડવાનું અને તેના અમલીકરણનું સર્વોચ્ચ કામ કરે છે. ચીફ કમિશનર અને સ્ટેટ કમિશનર: કેન્દ્ર સ્તરે ‘ચીફ કમિશનર’ અને રાજ્ય સ્તરે ‘સ્ટેટ કમિશનર ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ’ની નિમણૂક કરવામાં આવે છે. આ કમિશનરોની કચેરીઓ મુખ્યત્વે તકેદારી સમિતિ અને ફરિયાદ નિવારણ એજન્સી તરીકે કામ કરે છે. તેમની મદદ માટે નિષ્ણાતોની એક સલાહકાર સમિતિ પણ હોય છે. જિલ્લા સ્તરીય સમિતિ: સ્થાનિક સ્તરે દિવ્યાંગોના પ્રશ્નો ઉકેલવા અને કાયદાનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે જોવા માટે દરેક જિલ્લામાં કલેક્ટરના વડપણ હેઠળ ડિસ્ટ્રિક્ટ કમિટી બનાવવાની જોગવાઈ છે.
હવે જોવાનું એ છે કે પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીના કિસ્સામાં આ કાયદાની જોગવાઈઓ કામ કરે છે કે આ જોગવાઈઓ માત્ર કાગળ પર રહે છે? શું અમદાવાદના પોલીસ કમિશનર/ અમદાવાદ કલેક્ટર પોતે દ્રષ્ટિહીન/ સંવેદનહીન નથી તેની ખાત્રી નાગરિકોને કરાવશે? ગુજરાત હાઇકોર્ટની સૂચના બાદ નાગરિકોના કરોડો રૂપિયાના ખર્ચે પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા ઇન્સ્ટોલ કરાવ્યા છે, પરંતુ પોલીસ સ્ટેશનની અંદર જ્યારે નિર્દોષ નાગરિકો મારઝૂડ સહન કરે છે ત્યારે આ કેમેરા બંધ થઈ જાય છે! શું ગુજરાત હાઈકોર્ટ આ બાબતે વિચારશે? ચાલો, માની લીધું કે પોલીસ દ્રષ્ટીહીન છે, સરકાર દ્રષ્ટિહીન છે એટલે તે નિષ્ક્રિય રહે; પરંતુ શું નાગરિક સમાજ પણ દ્રષ્ટિહીન છે ?
BY: રમેશ સવાણી [4 જૂન 2026]










