ભરૂચ: ઝઘડિયા તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં પર્યાવરણના નિયમોનો સરેઆમ ભંગ કરીને અને કરોડો રૂપિયાના સરકારી રોયલ્ટી અને મહેસૂલની ચોરી કરીને ધમધમતી સિલિકા સેન્ડ (Silica Sand) માઈનિંગ લીઝો સામે આખરે કાનૂની શસ્ત્ર ઉગામાયું છે.
જાણીતા સામાજિક કાર્યકર્તા ડૉ. ભાવિનકુમાર શાંતિલાલ વસાવા દ્વારા આ સમગ્ર મામલે ગુજરાત વિજિલન્સ કમિશનમાં સત્તાવાર ઓનલાઈન ફરિયાદ (GVC Ref No: GVC3622026) દાખલ કરવામાં આવી છે. તેમજ પ્રધાન મંત્રીશ્રી અને મુખ્ય મંત્રી શ્રી કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવી છે. ચોંકાવનારી વિગત એ છે કે, ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મે અને ઓક્ટોબર 2025 દરમિયાન જ આ ચારેય વિવાદાસ્પદ માઈનિંગ લીઝોને સંપૂર્ણપણે રદ (Cancel) કરવા માટેની સ્પષ્ટ દરખાસ્તો ગાંધીનગર ખાણ-ખનિજ કમિશનરની કચેરી*ને મોકલવામાં આવી હતી. તેમ છતાં, ગાંધીનગર કચેરીના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા કલેક્ટરશ્રીના આદેશોને નેવે મૂકીને, ફાઈલો દબાવી રાખીને ગેરકાયદેસર રીતે ઓનલાઈન રોયલ્ટી પાસ ઈસ્યુ કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે, જે સીધેસીધું કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર અને મેળાપીપણું દર્શાવે છે.
648 એકર જમીન પ્રભાવિત: 183 એકર પવિત્ર “ગૌચર જમીન” પર ખનન! આ વિવાદ હેઠળની ચારેય લીઝો આશરે 648 એકર (262.37 હેક્ટર) જેટલી પ્રચંડ જમીન પર ફેલાયેલી છે. જેમાં સૌથી મોટો આઘાત એ છે કે આશરે 183 એકર (73.9 હેક્ટર) જમીન સત્તાવાર મહેસૂલી રેકોર્ડમાં પવિત્ર ‘સરકારી ગૌચર’ છે, જે માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો સરેઆમ અનાદર કરીને ખનિજ માફિયાઓને પધરાવી દેવાઈ છે. આ ઉપરાંત, પાંચમી અનુસૂચિના નિયમો અને PESA એક્ટ હેઠળ આદિવાસી ક્ષેત્રમાં ગ્રામસભાની પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી નથી.
ડૉ. ભાવિનકુમાર વસાવાએ વિજિલન્સ કમિશન સમક્ષ માંગ કરી છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા કમિશનર કચેરીના અધિકારીઓ સામે એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) અને વિજિલન્સ કમિશન દ્વારા તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે, ઓનલાઈન રોયલ્ટી પોર્ટલ તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવે અને કલેક્ટરશ્રીની ભલામણ મુજબ આ ચારેય લીઝો સત્વરે રદ કરવામાં આવે. આ ગંભીર કૌભાંડમાં પ્રજાનું હિત, પર્યાવરણ અને સરકારની તિજોરીને બચાવવા માટે સ્થાનિક સંગઠન અને જનતા વતી કડક આંદોલનાત્મક અને કાનૂની લડતની શરૂઆત થઈ ચૂકી છે.











