માંડવી: આર્થિક મુશ્કેલીઓ અને પારિવારિક સંકટ વચ્ચે પણ હિંમત ન હારતી કસવાવ ગામની સ્નેહાકુમારી નવિન્દ્રભાઈ ચૌધરીએ મહેનત અને સમાજના સહયોગથી MBBS પૂર્ણ કરીને ‘ડોક્ટર’ બનવાનું સપનું સાકાર કર્યું છે. તેમની આ સફળતા માત્ર વ્યક્તિગત વિજય નથી, પરંતુ સમાજ જ્યારે એકજૂથ થાય તો કોઈપણ અવરોધને પાર કરી શકાય છે તેનું જીવંત ઉદાહરણ છે.
સ્નેહાએ પોતાનો અભ્યાસ ગામની સરકારી શાળામાંથી શરૂ કર્યો હતો. ત્યારબાદ ટીચકપુરાની આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ દરમિયાન તેમના મનમાં ડોક્ટર બનવાનું સ્વપ્ન જન્મ્યું. શિક્ષકોના માર્ગદર્શન અને પુસ્તકો તેમજ મોબાઈલ વિડિયોના આધારે તેમણે NEET પરીક્ષા પાસ કરી અને કરમસદ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ કોરોના કાળ દરમિયાન મામાના અવસાન પછી પરિવાર સામે આર્થિક કટોકટી સર્જાઈ. અભ્યાસ અધવચ્ચે છોડવાની નોબત આવી ગઈ. આવા સમયે માંડવીના શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવેલ ‘100 નો સાથ’ ગ્રુપે સ્નેહાની જિંદગીમાં આશાનો કિરણ બનીને આવ્યું. દર મહિને માત્ર 100 રૂપિયાના ફાળા સાથે ચાલતા આ ગ્રુપે તેમના અભ્યાસની સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી.
સિવિલ હોસ્પિટલ, સુરતના ડોક્ટર્સના જૂથે આર્થિક સહાય સાથે માર્ગદર્શન પણ આપ્યું. નાનુભાઈ ચેરીટેબલ ટ્રસ્ટની શિષ્યવૃત્તિએ પણ મજબૂતી પૂરી પાડી. માત્ર ફી નહીં, પરંતુ PG NEETના ઓનલાઈન ક્લાસ સુધીની વ્યવસ્થા કરીને સમાજે તેમને સતત સાથ આપ્યો.
આખરે સ્નેહાએ MBBSના અંતિમ વર્ષમાં ફર્સ્ટ ક્લાસ સાથે સફળતા મેળવી. ભાવુક થઈને સ્નેહાએ કહ્યું,
“જો સમાજ અને ગુરુજનોએ મારો હાથ ન પકડ્યો હોત તો આજે હું અહીં ન હોત. હવે મારું જીવન જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં સમર્પિત રહેશે.” સ્નેહાકુમારીની આ સિદ્ધિ દર્શાવે છે કે 100 રૂપિયાનો નાનો સાથ પણ કોઈનું આખું જીવન બદલી શકે છે. સમાજના આવા સકારાત્મક પગલાં વધુને વધુ વિદ્યાર્થીઓને તેમના સપનાંઓ તરફ આગળ વધવામાં મદદરૂપ બનશે.











