ચીખલી: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ પી.જે. અસારી સહિતના આગેવાનોએ આદિજાતિ મંત્રીને મળીને સમાજના વિવિધ લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરી છે.
સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના વિકાસ અને અધિકારોના રક્ષણ માટે અનેક મુદ્દાઓ વર્ષોથી અટવાયેલા છે. આ બાબતે મંત્રીને 9 મુખ્ય માંગણીઓ સાથે રિમાઇન્ડર સહિત વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.
મુખ્ય માંગણીઓ:
• ખોટા ST સર્ટિફિકેટવાળા RBCને દૂર કરવા (રિમાઇન્ડર-16) તથા RBC જાતિને STમાંથી રદ કરવા (રિમાઇન્ડર-5)
• શિષ્યવૃત્તિ ફ્રી શિપ કાર્ડ 26-27 માટે ઠરાવ કરવો
• ફ્રી શિપ કાર્ડ માટે 6 લાખ આવક મર્યાદાનો હુકમ જારી કરવો
• રોસ્ટર અન્યાયના મુદ્દે કાર્યવાહી (રિમાઇન્ડર-૩૨)
• વર્ગ-૩ ભરતીમાં 40 ટકા લાયકાત ધોરણ દૂર કરવું (રિમાઇન્ડર-16)
• સ્નાતક અને અનુસ્નાતક પ્રવેશમાં બીજા રાઉન્ડ પછી અનામત જગ્યાઓને જનરલમાં તબદીલ કરવી (રિમાઇન્ડર-3)
• “વનવાસી” શબ્દ દૂર કરવા બાબત (રિમાઇન્ડર-13)
• 16 વર્ષથી બંધ પડેલી વર્ગ-4ની ભરતી તાત્કાલિક શરૂ કરવી (તા. 05/05/2026ના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી છે)
• ગાંધીનગર ખાતે આદિવાસી ભવન માટે જમીન ફાળવવી (રિમાઇન્ડર-૧૮)
આદિવાસી સમાજના આગેવાનોએ આદિજાતિ મંત્રીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ તમામ મુદ્દાઓ પર ઝડપી અને સકારાત્મક કાર્યવાહીની અપેક્ષા છે. સમગ્ર આદિવાસી સમાજ આ મુદ્દાઓ અંગે મંત્રી શું કાર્યવાહી કરે છે તેના પર નજર રાખીને બેઠો છે. આ રજૂઆતને આદિવાસી સમાજમાં નોંધપાત્ર મહત્વ આપવામાં આવી રહ્યું છે અને વિવિધ આદિવાસી સંગઠનો આ મુદ્દાઓના નિરાકરણ માટે સતત પ્રયાસો કરવાની વાત કરી રહ્યા છે.











