વલસાડ: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તનાવપૂર્ણ યુદ્ધના માહોલ વચ્ચે પશ્ચિમ એશિયામાં ફસાયેલા નવસારી અને વલસાડ જિલ્લાના અનેક માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના સતત પ્રયાસો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સંકલનથી આ માછીમારોને મુક્ત કરીને ઘરે પાછા લાવવામાં આવ્યા છે.

રોજગારીની શોધમાં નવસારી અને વલસાડના માછીમારો ઈરાન ગયા હતા. ત્યાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બનતાં સંદેશાવ્યવહાર અને સુરક્ષાના અભાવે તેઓ ત્યાં અટવાઈ પડ્યા હતા. આ ઘટનાથી તેમના પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારોએ આ મુશ્કેલી અંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. સાંસદે તાત્કાલિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ સતત સંપર્ક જાળવીને આ મામલાને પ્રાથમિકતા આપવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય અને ઈરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસના સંકલનથી માછીમારોની સુરક્ષિત વાપસીનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો.

વતન પરત આવ્યા પછી માછીમારોએ ભાવુક થઈને જણાવ્યું કે, “ત્યાંની સ્થિતિ જોતાં ઘરે પરત આવવાની આશા લગભગ ઓછી થઈ ગઈ હતી, પરંતુ સરકાર અને સાંસદના સતત પ્રયાસોથી અમે જીવતા પાછા આવ્યા છીએ.” પરિવારોએ પણ સાંસદ ધવલભાઈ પટેલ અને મોદી સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. આ ઘટનાએ સ્થાનિક ક્ષેત્રે સરકારી તંત્રની સક્રિયતાની પ્રશંસા પણ જગાવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here