દિલ્લી: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ,નવી દિલ્હી ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આદિવાસીઓની બેકલોગની 321 જગ્યાઓમાં ગેરરીતિ આચરેલ હોવાની ફરિયાદ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવતા આ બાબતને ખુબ જ ગંભીરતાથી એસટી સેલ દ્વારા લેવામાં આવતા સ્ટેટ બેંકના અધિકારીઓ પર લાલ આંખ કરી તાકીદે હાજર રહેવાનો હુકમ કરેલ હતો અને જો નહીં હાજર રહે તો કડક કાર્યવાહી કરવામાં આવશે એવા દિશા નિર્દેશો પણ આપવામાં આવ્યા હતા.

Decision News ને મળેલી જાણકારી મુજબ તારીખ 6/4/2026 ના રોજ સ્ટેટ બેન્કના હોદ્દેદારો અને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના હોદ્દેદારો વચ્ચે એસટી કમિશનની અદાલતમાં સુનવણી ચાલી હતી.જેમાં સમસ્ત આદિવાસી સમાજના હોદ્દેદારોની રજૂઆતને ગંભીરતાથી લઇ સ્ટેટ બેંક દ્વારા બેકલોગની જગ્યાઓ પૂરેપૂરી જાહેર કરી ભરવામાં આવશે એવી બાંહેધારી આપીને આદિવાસી વિદ્યાર્થીઓને આગામી બેંક પરીક્ષાની તાલીમ બેંક(CSR)ના ખર્ચે કરવાની ખાતરી આપી હતી. ઉપરાંત ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા NCST ચેરમેન શ્રી અંતરસિંહ આર્યને ગુજરાત રાજ્યમાં ચારણ, રબારી ભરવાડ જાતિને એસટીની યાદીમાંથી રદ કરવાની કાર્યવાહી સત્વરે કરવા, SBI ની ભરતીમાં 60/200( 30% કટ ઓફ માર્ક)અને ગુજરાત સરકારમાં વર્ગ ૩ ની ભરતીમાં 40% કટ ઓફ માર્ક દૂર કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી જે બાબતે અધ્યક્ષ અંતરસિંહ આર્ય દ્વારા આ રજૂઆતોને ગંભીરતાથી લઇ યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.એસટી આયોગની સુનવણીમાં ડો.પ્રદીપ ગરાસિયા,શ્રી અતુલ ચૌધરી, શ્રી છગનભાઈ ચૌધરી, શ્રી હેમંત વેદવાલા અને શ્રી પિયુષ વ્યાસ હાજર રહ્યા હતા.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે આ સુનવણી આદિવાસી સમાજ માટે ખુબ જ મહત્વપૂર્ણ અને સફળ રહી હતી.સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી સમાજના વિવિધ પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવવામાં આવી રહેલ હતો પણ અત્યારસુધી મોટાભાગની કામગીરી સાયલેન્ટ રહીને કરવામાં આવતી હતી પરંતુ હવેથી સમાજમાં અન્યાય સામે લડવાનું ઝનૂન આવે તે માટે આવી તમામ બાબતો આદિવાસી સમાજના ધ્યાને લાવવાનો અમારો પ્રયાસ રહેશે.











