નવસારી: સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાની આગેવાનીમાં ડો.ચેતન પટેલ,કમલેશ પટેલ,અરવિંદ પટેલ,શૈલેષ પટેલ,ધર્મેશ પટેલ સહિતના સામાજિક આગેવાનોએ થોડા દિવસો પહેલા નવસારી જિલ્લા કલેકટરને રૂબરૂ મળીને અડદાની સરકારી એસસી/એસટી ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા 6 મહિનાથી લાઈટ પંખા નહી હોવાથી 250 જેટલી ગરીબ બાળાઓની હાલત કફોડી બની હતી તે બાબતનું ધ્યાન દોરતા તેની હકારાત્મક પરિણામ મળ્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ગરીબ બાળાઓનું ગરમીમાં પંખાના અભાવે સ્વાસ્થ્ય નહીં બગડે અને રાત્રે લાઈટના અભાવે ભણતર નહીં બગડે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી. નવસારી કલેકટરે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપતાં છાત્રાઓને લાઈટ પંખા નખાઈ જતા બાળકીઓમાં ખુશીઓનો માહોલ છવાયો હતો અને આ બાબતે ગામના આગેવાનો અને વિદ્યાર્થીનીઓના વાલીઓએ સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાનો અને ટીમનો આભાર માન્યો હતો.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ખેરગામના સર્જન અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન થઇ રહી છે ત્યારે અમારી નવસારી જિલ્લાની ટીમે આ બાબતને ગંભીરતાથી લઇ સમસ્યાના નિવારણ માટે તંત્ર પાસે અસરકારક પગલાં ભરાવ્યા અને વિદ્યાર્થીનીઓની તકલીફો ઓછી થઇ એનો અમને આનંદ છે.વિશાલનગર બોયઝ હોસ્ટેલ પાસે પણ ચોમાસામાં પાણી ભરાય છે એ ફરિયાદ પર પણ તંત્ર ધ્યાન આપીને વિદ્યાર્થીઓ માટે સરળ અને ગુણવતાસભર શિક્ષણ માટે યોગ્ય કાર્યવાહી કરશે એવી અપેક્ષા રાખ્યે છીએ.











