વાંસદા: આજે વાંસદા તાલુકાના વિકાસમાં એક સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. વાંસદાના કાળાઆંબા-વાટી રોડ પર અંબિકા નદી ઉપર ‘મેજર બ્રિજ’ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની સહઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે ડાંગના માનનીય ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના 78 વર્ષ બાદ બની રહેલો આ મેજર બ્રિજ અંતરિયાળ વિસ્તારના હજારો નાગરિકો માટે સુખાકારી અને વિકાસનો સેતુ સાબિત થશે. આ બ્રિજથી વાટી સહિત આસપાસના અનેક ગામોના લોકોને વર્ષોથી અનુભવાતી મુશ્કેલીઓનો અંત આવશે.
ખાસ કરીને ચોમાસા દરમિયાન અંબિકા નદીના પાણીને કારણે થતી અલગતાનો, ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં છેવાડાના છેલ્લા માનવી સુધી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવાની કટિબદ્ધતા સાથે આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. નવસારી જિલ્લાના વ્યાપક વિકાસની આ સફર અવિરત ચાલુ રહેશે અને વધુ સારા ભવિષ્યની આશા જગાવશે.











