ચીખલી: ગત દિવસોમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં માનવતાને શરમાવે તેવી અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. એક નરાધમ સાવકા પિતાએ પોતાની જ બે સગીર પુત્રીઓને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે અને હવે બંને પીડિત સગીરાઓને ગર્ભપાત માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

તબીબી અને કાયદાકીય કાર્યવાહી.

નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું કે, માતાની સહમતીથી બંને સગીરાઓનો ગર્ભપાત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. કાયદા મુજબ 25 અઠવાડિયાથી ઓછો ગર્ભ હોવાથી કોર્ટની મંજૂરીની જરૂર નથી, તેથી ટૂંકા સમયમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ રીતે ખુલાસો થયો હતો

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. માતા પિતા તેને સારવાર માટે કૂકેરી પી.એચ.સી ખાતે લઈ ગયા હતા. ત્યાં તબીબી તપાસ દરમિયાન ડોક્ટરે દીકરી ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા નિષ્ણાતોએ પૃષ્ટિ કરી કે સગીરાને પાંચ માસનો ગર્ભ છે. આ સાંભળીને માતાના પગ નીચે થી જમીન સરકી ગઈ હતી.

બીજી પુત્રી પણ નીકળી પીડિત

હોસ્પિટલમાં માતાએ જ્યારે નાની દીકરીની આકરી પૂછપરછ કરી, ત્યારે તેણે રડતાં રડતાં તેના સાવકા પિતાની કરતૂતો વિશે જણાવ્યું. આઘાતમાં સરેલી માતાએ તુરંત પોતાની બહેનને ફોન કર્યો, ત્યારે જાણવા મળ્યું કે મોટી દીકરી પણ રડી રહી છે. મોટી દીકરીની તપાસ કરાવતા તે પણ બે માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યુ હતુ. આરોપી પિતા બંને દીકરીઓને જંગલમાં લાકડા લેવા જવાના બહાને અને રાત્રે ઘરમાં બધાં સૂઈ જાય ત્યારે પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો.

ધમકી આપી ગુજારતો હતો અત્યાચાર

સગીરાઓએ પોતાની આપવીતીમાં જણાવ્યું કે, પિતા તેમને ધમકાવતો હતો કે, જો તમે વાત કોઈને કહેશો, તો હું તમને અને તમારી મમ્મીને જમવાનું આપીશ નહીં અને ભૂખ્યા રાખીશ આ ડરને કારણે માસૂમ દીકરીઓ લાંબા સમય સુધી આ નરક જેવી યાતના સહન કરતી રહી.

પોલીસ કાર્યવાહી

સગીરાઓની માતાના નિવેદનને આધારે ચીખલી પોલીસે આરોપી વિરુદ્ધ POCSO એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની ગુના સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનાએ સમગ્ર નવસારી જિલ્લામાં ભારે રોષ અને ચકચાર જગાવી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here