વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સતીમાળ ગામ ખાતે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક તમાસા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી નરેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ દરમિયાન આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ વિવિધ નૃત્ય, સંગીત તથા પરંપરાગત સંવાદ કલાઓ દ્વારા આદિવાસી ભાઈ-બહેનોએ પોતાની એકતા, ગૌરવ અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રદર્શન કર્યું હતું. આસપાસના અનેક ગામોમાંથી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જેણે કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નવસારી યુવા મોરચાના પ્રમુખ ડૉ. વિશાલ પટેલે કાર્યક્રમનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, “આવા કાર્યક્રમો દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિને જાળવી રાખવા સાથે યુવાનોમાં એકતા અને સાંસ્કૃતિક જાગૃતિનો સંચાર થાય છે. આ પ્રસંગે સમાજના વિકાસ અને એકતાને મજબૂત કરવાની પ્રેરણા મળે છે.”
આ કાર્યક્રમ આદિવાસી સમુદાયના સાંસ્કૃતિક ગૌરવને ઉજાગર કરતો એક યાદગાર પ્રસંગ બન્યો હતો, જેણે સ્થાનિક સ્તરે સમાજની એકતા અને સંસ્કારોને પ્રોત્સાહન આપ્યું હતું.











