વાંસદા-ધરમપુર: વાંસદા-ધરમપુર NH 56 પર ખાનપુર આંબતલાટ પુલની થોડી આગળ આવેલું નાનું પુલિયું બેસી જવાના કારણે છેલ્લા ઘણા સમયથી ટુવ્હીલર ફોર વ્હીલર વાહનો જોરથી અથડાતા નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે, જેમાં જીવલેણ અકસ્માત થવાનો ભય પણ વધી રહ્યો છે.

સ્થાનિક મુસાફરો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, આ પુલિયું ઘણા મહિનાઓથી બેસી ગયું છે. તેના કારણે રસ્તો અસમાન બની ગયો છે અને રાત્રિના સમયે અથવા વરસાદમાં વાહનોને નિયંત્રણમાં રાખવું મુશ્કેલ બની રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક નાના અકસ્માતો થયા છે, પરંતુ હાઈવે અધિકારીઓએ આ ગંભીર સમસ્યા તરફ કોઈ ધ્યાન આપ્યું નથી.

સ્થાનિક લોકોનો આક્રોશ વધી રહ્યો છે. એક વાહનચાલકે કહ્યું, “રોજ આ જ રસ્તે પસાર થવું પડે છે. એક દિવસ કોઈ મોટો અકસ્માત થશે તો જ તંત્ર જાગશે ? અમે ગાળો આપીને આક્રોશ કરીએ છીએ, પણ કોઈ સાંભળતું નથી.” બીજા મુસાફરો પણ કહે છે કે “કુંભકર્ણની જેમ ઊંઘતા રહેવાનું બંધ કરીને હવે તરત જ પુલિયું સુધારવું જોઈએ, વાહનો માટે વોર્નિંગ બોર્ડ લગાવવા જોઈએ અને રસ્તાનું સમારકામ કરવું જોઈએ.”

હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્રનો હજુ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. શું કોઈ જીવલેણ અકસ્માત અને મુસાફરોની જાનહાનિ પછી જ તંત્ર જાગશે ? આ સવાલ હવે તીવ્ર બની રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે તરત જ પુલિયાનું સમારકામ કરવામાં આવે અને રસ્તાની સુરક્ષા વધારવામાં આવે, જેથી કોઈ અકસ્માતની ઘટના ટાળી શકાય.
આ મુદ્દે હાઈવે અધિકારીઓ તરફથી શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું હવે રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here