નવસારી: આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના પગાર વધારાનો મુદ્દાના તાપમાનનો પારો ગરમાયો હતો અને ગતરોજ નવસારી જિલ્લામાં આંગણવાડી બહેનોએ તેમની પડતર માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અનુસાર, ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 ચૂકવવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાને છ મહિના વીતી ગયા છે તેમ છતાં, સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર પગલાં લીધા નથી. આંગણવાડી બહેનોનું કહેવું હતું કે, 30-31 વર્ષની સેવા બાદ પણ તેમને હાલમાં માત્ર 10,000 જેટલો ઓછો પગાર મળે છે. આ આંદોલનને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન મળ્યું છે.

આ આંદોલનને સમર્થન આપતા અનંત પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા આ બહેનોનો માત્ર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટના ચુકાદા છતાં સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને બહેનોના હક છીનવી રહી છે.’પોષણ સુધા યોજના’ હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓના ભોજન માટે ફાળવાતા 27ને વધારીને 75 કરવાની માંગ છે, જેથી કુપોષણ સામેની લડત વધુ મજબૂત બની શકે. આ સિવાય ગરમ નાસ્તાના પૈસા, રજિસ્ટર નિભાવણી ખર્ચ અને મુસાફરી ભથ્થું (TA-DA) પણ સમયસર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ધરણા પ્રદર્શન કરવાની ચીમકી અપાઈ છે.

નવસારી બાદ હવે ચીખલી અને વાંસદા ખાતે પણ પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર સુપરત કરાશે. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી આ મુદ્દે ગૃહમાં પણ રજૂઆત કરવામાં આવશે. જો સરકાર તાત્કાલિક પગાર વધારાની જાહેરાત નહીં કરે, તો આંગણવાડીની બહેનોએ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવા ચીમકી આપી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here