ધરમપુર: ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને સુલભ બનાવવાની દિશામાં ગુજરાત સરકારના સતત પ્રયાસો અંતર્ગત આજે ધરમપુર તાલુકાના કરંજવેરી ગામ ખાતે કુલ રૂ. 30.64 લાખની લાગતે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમનું લોકાર્પણ ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ગણેશભાઈ બિરારી, જિલ્લા કારોબારી સદસ્ય શ્રી નવીનભાઈ ભોયા, તાલુકા મહામંત્રી શ્રી વિમલભાઈ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીગણ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ નવા પેટા આરોગ્ય કેન્દ્રથી કરંજવેરી અને આસપાસના ગામડાઓના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ, રસીકરણ, માતા-બાળ આરોગ્ય સેવાઓ, તાત્કાલિક ઉપચાર અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો વધુ સરળતાથી મળી શકશે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના ગ્રામજનો માટે આ કેન્દ્ર એક આશીર્વાદ સમાન સાબિત થશે.

ધારાસભ્ય શ્રી અરવિંદ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓનું વિસ્તરણ સરકારની અગ્રિમ પ્રાથમિકતા છે. આવા નવા આરોગ્ય કેન્દ્રો દ્વારા લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળે અને રોગોની રોકથામમાં મદદ મળે તેવો હેતુ છે. આ લોકાર્પણ ધરમપુર તાલુકામાં આરોગ્ય ક્ષેત્રના વિકાસમાં એક મહત્વનું પગલું ગણાય છે. સ્થાનિક લોકો અને આરોગ્ય કર્મચારીઓએ આ પ્રયાસને હાર્દિક આવકાર આપ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here