ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનીવહિયાળ ગામમાં ત્રણ આદિવાસી પરિવારોના ઘર તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો સહિત પરિવારજનો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર થયા છે. આ ઘટનાએ સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ અને દુ:ખનું મોજું લાવ્યું છે.
સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે ધરમપુર મામલતદાર કોર્ટના આદેશને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે પણ મામલતદાર સવાલોના ઘેરામાં આવી ગયા છે કેમ કે તેમણે પરિવારની રહેવાની અગામી વ્યવસ્થા ઉભી કર્યા વગર જ આ માનવતાને શર્મસાર કરતુ પગલું ભરું હતું. ત્રણ આદિવાસી પરિવારો વર્ષોથી – પેઢીઓથી – આ જગ્યાએ વસવાટ કરતા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર તેઓ પોતાની જમીન પર જીવન નિર્વાહ કરતા હતા, પરંતુ તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા પુનર્વસનની સુવિધા આપવામાં આવી ન હતી.
બુલડોઝર દ્વારા બે મકાનોને તોડી પાડવામાં આવ્યા બાદ આખા પરિવારને રસ્તા પર આવી જવું પડ્યું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો છે અને તંત્ર, રાજકીય નેતાઓ તેમજ મીડિયાની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે. શું ગરીબ અને આદિવાસી પરિવારો માટે કોઈ સુરક્ષા કે માનવીય વ્યવહાર નથી ? શું કોર્ટના આદેશના નામે આવી કાર્યવાહી કરતા પહેલાં પુનર્વસનની જવાબદારી તંત્રની નથી ? આ ઘટનામાં ધરમપુરના આદિવાસી ધારાસભ્ય અરવિંદ પટેલની સાથે સાથે બધા જ ધરમપુરના આદિવાસી આગેવાનોએ મોંન સેવીને બેઠા છે તેનું કારણ સમજ થી બહાર છે. આ ઘટના ગુજરાતમાં આદિવાસી અને ગરીબ વર્ગના હક્કો અને પુનર્વસનના મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી છે. સ્થાનિક સમાજ અને સામાજિક સંગઠનો દ્વારા આ મામલે તાત્કાલિક રાહત અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.











