ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે રમતગમતની સામગ્રી (સ્પોર્ટ્સ કીટ) વિતરણનો ખુશખબરીભર્યો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ તાલુકા કક્ષાના આયોજન હેઠળ ધરમપુર તાલુકા પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રીના વિશેષ સહયોગથી અમલમાં મુકાયો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ વિતરણ કાર્યક્રમમાં વોલીબોલ (વોલીબોલ નેટ સહિત), બાસ્કેટબોલ, ફૂલ રેકેટ (રેકેટ બોક્સ સહિત), દોરડા કુદ, બેટ-બોલ-સ્ટમ્પ, નારગોલ અને બોલ, ડિસ્ક, ચેસ, ફૂટબોલ તેમજ કેરમ જેવી વિવિધ રમતગમતની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સામગ્રી ગામના બાળકોને શારીરિક તંદુરસ્તી, રમતગમતની રુચિ અને ટીમવર્કના વિકાસમાં મદદરૂપ થશે.

કાર્યક્રમમાં તલાટી કમ મંત્રી શ્રીમતી ઉષાબેન, ગ્રામ સેવક શ્રીમતી અંકિતાબેન તથા ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમ પટેલના હસ્તે આ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ધરમપુર તાલુકા વિકાસ અધિકારી (TDO) શ્રીનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો, કારણ કે તેમના માર્ગદર્શન અને સહકારથી જ આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ પગલું ગ્રામીણ વિસ્તારોમાં બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણ સાથે રમતગમતને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે. મોટીઢોલ ડુંગરી ગામના બાળકો અને શિક્ષકોમાં આ કાર્યક્રમથી ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here