દક્ષિણ ગુજરાત: છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં એક ચિંતાજનક પ્રવૃતિ જોવા મળી રહી છે. વિચારો, મુદ્દાઓ અને નીતિઓ પર ચર્ચા કરવાની જગ્યાએ ઘણા લોકો હવે એકબીજાને વ્યક્તિગત રીતે નીચા દેખાડવાની રાજનીતિ તરફ વળી રહ્યા છે. આવી રાજનીતિ માત્ર રાજકીય સ્તરે નહીં પરંતુ સમાજના એકતા અને ભવિષ્ય માટે પણ ખૂબ જ ખતરનાક છે. કારણ કે જ્યારે કોઈ સમાજ પોતાના આંતરિક મતભેદોને સ્વસ્થ રીતે ઉકેલવાની જગ્યાએ વ્યક્તિગત હુમલાઓમાં ફસાઈ જાય છે ત્યારે તે સમાજની સામૂહિક શક્તિ ધીમે ધીમે કમજોર થવા લાગે છે.

મુદ્દાઓ પરથી ભટકતી રાજનીતિ

આદિવાસી સમાજના અનેક મહત્વના પ્રશ્નો છે જમીનના અધિકારો, શિક્ષણ, રોજગાર, આરોગ્ય, સંવિધાનિક અધિકારો, અનુસૂચિ-૫ નો અમલ, ખોટા પ્રમાણપત્રોના પ્રશ્નો, વિકાસમાં ન્યાય વગેરે. આ બધા મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થવી જોઈએ, મજબૂત લડત થવી જોઈએ અને સમાજના નેતાઓએ એક થઈને આ પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ દુર્ભાગ્યથી હાલમાં ઘણી જગ્યાએ આ મુદ્દાઓ પર ચર્ચા થવાની જગ્યાએ લોકો એકબીજાની વ્યક્તિગત ટીકા, અપમાન અને બદનામી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. આ પ્રવૃતિ રાજનીતિને વિચારોથી દૂર લઈ જઈને વ્યક્તિગત દ્વેષ તરફ ધકેલી રહી છે.

ઇતિહાસ સાબિત કરે છે કે જ્યારે કોઈ સમાજ અંદરથી જ એકબીજા સામે લડવા લાગે છે ત્યારે બહારની શક્તિઓ માટે તેને નબળું બનાવવું ખૂબ સરળ બની જાય છે. આદિવાસી સમાજ પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે.
એવામાં જો સમાજના જ કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે સમાજમાં વિભાજન ફેલાવશે તો તેનો સૌથી મોટો નુકસાન આખા સમાજને થશે. વ્યક્તિગત હુમલા અને બદનામીની રાજનીતિથી સમાજમાં અવિશ્વાસ વધે છે, યુવાનોમાં નકારાત્મક સંદેશ જાય છે, સાચા મુદ્દાઓ પાછળ રહી જાય છે અને સમાજની એકતા તૂટે છે. સમાજના લોકો માટે હવે સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ સમજદારીપૂર્વક આવા લોકોને ઓળખે. જે લોકો સમાજના પ્રશ્નો ઉકેલવા કરતાં વ્યક્તિગત હુમલાઓમાં વ્યસ્ત રહે છે, એકતાને મજબૂત કરવાની જગ્યાએ વિભાજન ફેલાવે છે અને પોતાના રાજકીય સ્વાર્થ માટે સમાજને વહેંચવાનો પ્રયાસ કરે છે

એવા લોકો સમાજના હિતમાં કામ કરી શકે તે શક્ય નથી. સમાજે આવા તત્વોને ઓળખીને ખુલ્લા પાડવા પડશે. કારણ કે જો આવી પ્રવૃત્તિઓને સમયસર રોકવામાં નહીં આવે તો તે ધીમે ધીમે સમાજમાં ઝેર ફેલાવશે. આ પરિસ્થિતિમાં સમાજના બુદ્ધિજીવીઓ, વડીલો, સામાજિક આગેવાનો અને જવાબદાર લોકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તેઓએ આગળ આવીને સ્પષ્ટ સંદેશ આપવો પડશે કે આદિવાસી સમાજમાં વ્યક્તિગત બદનામી અને નીચા સ્તરની રાજનીતિ સ્વીકાર્ય નથી. સામાજિક મંચો પર સંવાદની પરંપરા ઉભી કરવી પડશે,મતભેદોને સન્માનપૂર્વક ઉકેલવાની રીત અપનાવવી પડશે અને સમાજને વિભાજિત કરનારા તત્વો સામે કડક વલણ અપનાવવું પડશે.

જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર સમાજને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ કરે અને સમજાવ્યા છતાં સુધરવા તૈયાર ન હોય ત્યારે સમાજ પાસે એક અંતિમ વિકલ્પ પણ રહે છે — સામાજિક બહિષ્કાર, સામાજિક બહિષ્કારનો અર્થ કોઈ વ્યક્તિ સાથે દ્વેષ રાખવો નહીં, પરંતુ સમાજને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓને અસ્વીકાર કરવાનો એક સંદેશ છે. આવો કડક સંદેશ ક્યારેક સમાજને ભવિષ્યના મોટા નુકસાનથી બચાવી શકે છે. આદિવાસી સમાજનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સમાજ એકતાથી ઉભો રહ્યો છે ત્યારે તેણે મોટી મોટી લડાઈઓ જીતી છે. એક બાબત હંમેશા યાદ રાખવી જોઈએ કે સમાજ કોઈ વ્યક્તિ કે પાર્ટીથી મોટો હોય છે. જો સમાજની એકતા મજબૂત રહેશે તો રાજકીય સફળતા પણ આવશે અને સામાજિક વિકાસ પણ થશે.

આજે સમય છે આત્મમંથન કરવાનો, આદિવાસી સમાજને નક્કી કરવું પડશે કે તેને વ્યક્તિગત દ્વેષની રાજનીતિ તરફ જવું છે કે સમાજના પ્રશ્નો માટે એકતા સાથે લડવું છે. જો આપણે આજે જાગૃત નહીં બનીએ તો આવી નીચી કક્ષાની રાજનીતિ સમાજને ધીમે ધીમે દુર્દશા તરફ લઈ જશે. પરંતુ જો સમાજના લોકો સમજદારીપૂર્વક આગળ આવશે, એકતા જાળવી રાખશે અને વિભાજન ફેલાવનારા તત્વોને અસ્વીકાર કરશે તો આદિવાસી સમાજનું ભવિષ્ય ચોક્કસ રીતે વધુ મજબૂત બની શકે છે.

BY: અલ્પેશ પટેલ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here