ઉમરપાડા: સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા તાલુકાના નશારપુર ગામે સગીર બાળકી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે. આ મામલે ઉમરપાડા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને એક સગીર સહિત કુલ ચાર આરોપીઓને પકડી પાડ્યા છે.
Decision News ને મળતી માહિતી મુજબ ગત 14 માર્ચે નશારપુર ગામે સગીર બાળકી તેના કુટુંબ સાથે લગ્ન પ્રસંગે ડી.જે.ના કાર્યક્રમમાં હાજર રહી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોડી રાત્રે તે એકલી ઘરે જઈ રહી હતી. ત્યારે ચારેય આરોપીઓએ મોટરસાઇકલ ઉપર તેનો પીછો કરી કાકડવા ફળીયા નજીક બસ સ્ટેશન પાછળ આવેલા જંગલ વિસ્તારમાં તેને રોકી ધમકી આપી બળજબરીથી લઈ ગયા હતા. આરોપીઓએ સગીર બાળકીનું મોઢું દબાવી અને ધમકી આપી તેના પર વારાફરતી સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાના બાદ આરોપીઓ તેને અવાવરુ જગ્યાએ છોડી નાસી ગયા હતા.
સગીરાએ પરિવારજનોને સમગ્ર ઘટના અંગે જાણ કરતા પરિવાર દ્વારા ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા પોક્સો અધિનિયમ હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ ઉમરપાડા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી એક સગીર સહિત ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. હાલ પોલીસ પુરાવાઓ એકત્રિત કરી આગળની તપાસ શરૂ કરી છે.











