ખેરગામ: આજના રાસાયણિક ખાતરો અને કેન્સર જેવા રોગોના વધતા જતા જોખમ વચ્ચે પ્રાકૃતિક ખેતીને અપનાવીને પર્યાવરણ અને આરોગ્યની રક્ષા કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું કામ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સતત કરી રહ્યા છે. આ ક્રમમાં નવસારી જિલ્લાના ખેરગામ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતને ખાસ સન્માન મળ્યું છે.
આજના ભેળસેળીયા રાસાયણિક ખાતરોના યુગમાં, જ્યાં કેન્સર જેવા ભયાનક રોગો લોકોને ભોગ બનાવી રહ્યા છે, ત્યારે કુદરતી ખાતરો અને પ્રાકૃતિક ખેતી પર આધારિત ખેતી પદ્ધતિ અનેક લોકો માટે સ્વસ્થ જીવનની આશાનું કિરણ બની રહી છે. આ જ પ્રાકૃતિક ખેતીને અપનાવીને પર્યાવરણ અને આરોગ્યની જાળવણી કરનાર આછવણી ગ્રામપંચાયતના સભ્ય તેમજ ખેરગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી મહેશભાઈ ગુલાબભાઈ પટેલને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ખાસ સન્માનિત કરવામાં આવ્યા છે.
આ સન્માન પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા, રાસાયણિક ખર્ચ ઘટાડવા અને આવનારી પેઢી માટે સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ સર્જવા બદલ આપવામાં આવ્યું છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને રાજ્યમાં લોકઆંદોલનનું સ્વરૂપ આપવા માટે સતત પ્રયાસરત છે અને આવા પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપીને અન્ય ખેડૂતોને પણ પ્રેરિત કરી રહ્યા છે.
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ તેમજ ખેરગામના જાણીતા યુથ લીડર અને ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલએ આછવણીના મહેશભાઈ પટેલ તેમજ વાવ ગામના મનીષાબેન પટેલ જેવા તમામ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને પ્રકૃતિની જાળવણી માટેના તેમના પ્રયાસો બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવી પદ્ધતિ અપનાવવાથી જમીન, પાણી અને માનવ આરોગ્યનું રક્ષણ થઈ શકે છે. આ સન્માન ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ માટે એક મહત્વનું પગલું ગણાય છે અને અન્ય ખેડૂતોને પણ આ તરફ આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે.











