ખેરગામ: આછવણીના લાલજી પટેલ નામક ઈસમ દ્વારા એક જ દુકાન બે વ્યક્તિને વેચી કરેલ ગુનાહિત છેતરપિંડી બાબતે ખેરગામ પોલિસ દ્વારા ફરિયાદ નહીં નોંધવામાં આવતા વૈભવ વાઘીયા દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે.
આછવણી હટી ફળિયામાં માતૃકૃપા શોપિંગ સેન્ટરમાં દુકાન નં 6 નો વિવાદ હજુસુધી સમવાનું નામ નથી લેતો. ખેરગામ એસપીને કરેલ ફરિયાદ અનુસાર વૈભવ વાઘીયાએ ગુનાહિત છેતરપિંડી,વિશ્વાસઘાત અને ગંભીર ધાકધમકીની ફરિયાદ નોંધવાની માંગ કરવા છતાં વૈભવે રાજય પોલિસ વડા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ,ગૃહમંત્રી હર્ષભાઈ,નવસારી કલેકટરને કરેલી ફરિયાદ અનુસાર આછવણીના લાલજી પટેલ નામક ઈસમ પાસેથી 5 વર્ષ પહેલા ખરીદેલ દુકાનના 6.5 લાખ રૂપિયા લઇ લીધા બાદ લાલજી પટેલ અને તેનો પુત્ર શૈલેષ પટેલ અવારનવાર દાદાગીરી કરી દુકાનનો કબ્જો સોંપવાની કે લીધેલ રૂપિયા પરત કરવાની ના પાડતા આવેલ અને ગતવર્ષે બંને દ્વારા જામનપાડા ગામના માજી સરપંચ ડો.અમિત પટેલ સાથે મેળાપીપણું આચરી વૈભવને ઢોર માર મારેલ અને એની માતા બહેન સાથે ખુબ જ અશ્લીલ હરકત કરેલ. આટલુ થયા પછી પણ લાલજી પટેલે દુકાન અને આખુ કોમ્પ્લેક્સ વલસાડ મદદનીશ આદિજાતિ કમિશનર બાબુભાઇ વળવીને વેચી નાખતા વૈભવે બાબુભાઇ વળવી પાસે ખુલાસો માંગતો પત્ર લખતા ગૌરીના ગોકુળ પટેલ નામક ઈસમ દ્વારા સમાધાનના નામે બોલાવી બીજીવાર બાબુભાઇ વળવીને પત્ર નહીં લખવા ગંભીર ધમકીઓ આપવામાં આવેલ.
આ બાબતની તપાસ ખેરગામ પોલિસ પાસે આવતા વૈભવ અને તેની સાથે આવેલ સામાજિક આગેવાન વિજય ઉચ્ચકટારે નિવેદનના આધારે ફરિયાદ નોંધવાનું કહેતા ખેરગામ પોલિસના એએસઆઈ હિતેશભાઈ નટુભાઈ પટેલ નામક જમાદારે તમે ગમે તેટલું કહેશો આ મેટરમાં અમારાથી ફરિયાદ નહીં લેવાય કારણકે અમારા પર ઉપરથી જ દબાણ છે એમ જણાવતા વગદારોને જ ફાયદો પહોંચાડતી સિસ્ટમથી કંટાળીને ગૃહમંત્રી અને રાજય પોલીસવડા સમક્ષ ન્યાય માટે ગુહાર લગાવતા ખેરગામ પોલિસ બેડામાં ચકચાર મચી છે. આ બાબતે મ્હાર સમાજના ન્યાય સમિતિના અધ્યક્ષ વિજય ઉચ્ચકટારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે એક ની એક દુકાન બે અલગ અલગ વ્યક્તિઓને વેચી મારવી તેમજ ફરિયાદ નહીં કરવા અતિશય ગંભીર કક્ષાની ધમકીઓ આપવી એ અમારા કાયદાકીય નિષ્ણાંતોના મંતવ્યો અનુસાર ગુનાહિત છેતરપિંડી તેમજ બીએનએસની કલમો અનુસાર ક્રિમિનલ મેટર જ ગણાતી હોવા છતાં સિવિલ મેટર બતાવી ખેરગામ પોલિસ સામાવાળા રાજકીય અને આર્થિક રીતે વગદાર હોય એમને બચાવવા માટેનો કારસો રચી રહ્યા છે. આવી જ રીતે ગુનાહિત છેતરપિંડીને પણ સિવિલ મેટર જ બતાવીને અમને ન્યાય નહીં મળવાનો હોય તો અમો અરજદાર પણ ટૂંક સમયમાં એલોકોના કોમ્પ્લેક્સમા એક કરતા વધારે દુકાનો પર કબ્જો જમાવી લઈશું તો ખેરગામ પોલિસની આવી બોગસ નીતિ અનુસાર ગુનાની વ્યાખ્યામાં નહીં આવશે ને ? એક ગરીબે દુકાનનો કબ્જો મેળવવા માટે જ 5 વર્ષથી અહીંયા ત્યાં ધક્કા જ ખાતા ફરવાનું ? મતલબ સામાન્ય માણસો માટે ન્યાય જેવું કઈ બચ્યું જ નથી ?ખેરગામ પોલીસની આવી નબળી અને વગદાર લોકો તરફી નીતિથી કોઈપણ બાહુબલી અને લુખ્ખા તત્વો બીજાની સંપત્તિ પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લેશે તો ગરીબ માણસ ન્યાય મેળવવા વર્ષો સુધી ધક્કા ખાતો જ રખડતો રહી જશે અને હાલમા જ એક સમાચાર જોયા જેમાં ડેમના વિસ્થાપિતોને ફળવાયેલી જગ્યા જે ગુંડાઓ દ્વારા પચાવી પાડવામાં આવેલ તે મેળવતા 55 વર્ષ લાગ્યા. કોઈપણ ગરીબ માણસ આવી રીતે જ ન્યાય નહીં મળવાને લીધે સિસ્ટમથી ત્રાસીને જ ગુનેગાર બની જતો હોય છે.
આ બાબતે અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે છેક સુધી લડીશું અને જરૂર પડ્યે અરજી પર નિયમોનુસાર કાર્યવાહી નહીં કરનાર પોલિસ કર્મચારીઓને પણ ફરજ પર બેદરકારી બદલ નામદાર અદાલતમાં લઇ જઈશું.











