રાંધા: ગતરોજ સેલવાસના રાંધા ગામે તારીખ 5 થી 9 માર્ચ 2026 દરમિયાન ‘ભોવાડા નૃત્ય’ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ સફળ કાર્યક્રમનું આયોજન શ્રી ચંદુભાઈ ગાવિત દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક યુગમાં આપણી લુપ્ત થતી આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાનો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.
પાંચ દિવસ સુધી રાત્રિના સમયે આપણા આદિવાસી સમાજના વડીલો અને કલાકારો ઢોલકી, તુનતુનુ, થાળી, પીપોળી, સાંગળ, કાંહળી, તારપા અને માદળ જેવા પરંપરાગત વાંજિત્રોના પવિત્ર તાલે અલગ અલગ પવિત્ર દેવી દેવતાઓનાં અલગ અલગ પાત્ર મુજબ પહેરવેશ ધારણ કરી મશાલનાં અજવાળે સંગીતના તાલે ગુંજારવ સાથે પરંપરાગત મુખવટાધારી નૃત્યકારોએ ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. મશાલના અજવાળે રમાયેલા આ ઐતિહાસિક નૃત્યને નિહાળવા માટે હજારોની મેદની ઉમટી પડી હતી.
શ્રી ચંદુભાઈ ગાવિતના આ સરાહનીય પ્રયાસ અને સંસ્કૃતિને ટકાવી રાખવાના નિશ્ચયથી નવી પેઢીને મોટી પ્રેરણા મળી છે. આ ઉત્સવ દ્વારા યુવાનોમાં પોતાની વિરાસત પ્રત્યે ગૌરવની લાગણી જન્મી છે, જે આપણી આદિવાસી પરંપરાઓને હંમેશા જીવંત રાખવામાં મદદરૂપ થશે.
BY: મુકેશ પટેલ











