દિલ્હી: ભારતીય લોકશાહીના મજબૂત પાયાના મહિલા નેતૃત્વને બિરદાવતા ISD (Indian School of Democracy) દ્વારા આયોજિત “જન નેત્રી સન્માન” એવોર્ડ સમારોહમાં ગુજરાતના નાનાપોંઢા (કપરાડા) તાલુકાના સુખાલા ગામની ચૂંટાયેલા પ્રતિનિધિ કુંજાલી દીપકભાઈ પટેલને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર આપવામાં આવ્યો છે.

આ વર્ષે ભારતભરમાંથી માત્ર 10 ચૂંટાયેલા પાયાના મહિલા નેતાઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં કુંજાલી પટેલનો સમાવેશ થયો છે. તેમણે મહિલા સશક્તિકરણ, યુવા નેતૃત્વ અને ખાસ કરીને ચુલા વિતરણ મુહિમ દ્વારા પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે અસાધારણ કામગીરી બજાવી છે. આ મુહિમને રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર સફળતા મળી હતી, જેના કારણે તેમને આ એવોર્ડ મળ્યો છે.

પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ કુંજાલી પટેલે આભાર વ્યક્ત કરતાં કહ્યું, “આ પુરસ્કાર હું મારા મતવિસ્તારના લોકોને સમર્પિત કરું છું. આ સન્માન ફક્ત મારું નથી, પરંતુ મારા આદિવાસી સમાજની મહિલાઓ, યુવાનો અને સમગ્ર સમુદાયનું છે. તેમની ભાગીદારી, વિશ્વાસ અને સમર્થનથી જ આ યાત્રા શક્ય બની છે. આ આપણા સામૂહિક પ્રયાસોનું પરિણામ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે તેમના વિસ્તારમાં પ્રગતિ અને સફળતા સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી અને સહયોગની ભાવનાને કારણે શક્ય બની છે. મોટાભાગનું કાર્ય સ્થાનિક સંઘઠનોના સમર્થનથી સંભવ બન્યું છે. આ એવોર્ડ ગ્રાસરૂટ્સ લેવલના મહિલા નેતૃત્વને રાષ્ટ્રીય મંચ પર ઓળખ આપવાનું મહત્વનું પગલું છે અને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાંથી ઉભરી આવેલી આવી નેતાઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે.