નવીન: ધર્મગુરુઓનું વર્ચસ્વ સ્વતંત્ર બુદ્ધિને સાંખી શકે નહીં ! “બીજી કોમની મારી બહેનોને કદાચ તે ચિત્ર અતિશયોક્તિ ભર્યું લાગશે, પણ તેમાં કંઈ જ અતિશયોક્તિ નથી એમ હું મારા અનુભવથી કહું છું. મેં વિધવાવસ્થાનું સંકટ વેઠ્યું છે. મારે માથે જુલમી શેઠિયાઓએ જુલમના ઝાડ ઉગાડ્યાં છે, અને હું હિંમતથી કહું છું કે જો હિન્દુ વિધવાઓને આવી રીબાતી હાલતમાં જીવાડવા કરતાં પોતાના પતિની પાછળ રાજીખુશીથી અથવા બળજબરીથી પણ સતી કરવાની રજા આપવામાં આવે તો વધારે સારું, કે રીબાઈ રીબાઈને મરવા કરતાં બાપડી વિધવા બળી મરીને એકદમ છૂટકો પામે.”
આ વેદના ધનકોરબાઈએ, ‘સ્ત્રીબોધ’ સામયિકમાં ઠાલવી હતી. આ ધનકોરબાઈ વિધવા હતા અને ગુજરાતની ભૂમિમાં, એ ઉપલી જ્ઞાતિમાં તેમનું પહેલું વિધવા પુનર્લગ્ન કરસનદાસ મૂળજીએ 1871માં લીંબડીમાં કરાવ્યું હતું. જો કે 1861માં કરસનદાસ અને નર્મદે મુંબઈમાં વિધવા પુનર્લગ્ન કરાવેલું પણ તે નિષ્ફળ નીવડેલું.
તે સમયે સમાજ કેવો હતો ? વિધવા પુનર્લગ્નની વાત કરવી જાણે સમાજદ્રોહ હતો ! 1853માં, મુંબઈમાં એલ્ફિન્સ્ટન ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓએ સ્થાપેલી ‘ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળી’ના એક પારસી સભ્યે ‘ઈનામી નિબંધ’ માટેની જાહેરાત છપાવી. તેમાં જણાવ્યું કે ‘વિધવા પુનર્લગ્ન’ વિષય પર જે ઉમેદવાર સૌથી ઉત્તમ નિબંધ લખશે તેને રુપિયા 150નું (તે સમયે આ રકમ મોટી કહેવાય) ઈનામ આપવામાં આવશે. આ ઈનામી નિબંધ હરીફાઈમાં કરસનદાસ પણ જોડાયા અને નિબંધ લખવાની તેમણે શરુઆત કરી. કોઈએ તેમના માતાના કાકી કે જેમના તે આશ્રિત હતા તેમને ચાડી ખાધી. કાકી એટલા તો રોષે ભરાયા કે તેમણે, 21 વર્ષના કરસનદાસને તથા તેમની પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યાં !
તે સમયે વિધવા સિવાય મહિલાઓની સ્થિતિ કેવી હતી? 1639માં, હાર્બર થોમસ નામના અંગ્રેજ મુસાફરે નોંધ્યું છે: “ગુજરાતના વણિકો ચુસ્ત શાકાહારી છે અને દારૂનું સેવન કરતા નથી. તેમના ધર્મગુરુઓ તેમના અનુયાયીઓની પત્નીઓ સાથે પ્રથમરાત્રિ ગાળે છે. કેમકે તેમનામાં એવી માન્યતા છે કે તેમ કરવાથી તેમનાં સંતાનો વધારે પવિત્ર અને ભાગ્યશાળી બને છે.”
1820માં છપાયેલા ‘ટ્રાન્ઝેક્શન ઓફ ધી લિટરરી સોસાયટી ઓફ બોમ્બે’ પુસ્તક-2, લંડન’માં કેપ્ટન મેકમર્ડો લખે છે: “ભાટિયાઓ મૂળ સિંધમાંથી આવે છે. તેમનું સંખ્યાબળ વધારે છે અને તે ધનિક વ્યાપારીઓ છે. તેઓ ગોંસાઈજી મહારાજની પૂજા કરે છે. આવા માહારાજો ઘણાં છે. આ મહારાજો ભાટિયાઓની મિલકત ઉપર કાબૂ ધરાવે છે અને તેમની મરજી મુજબ તેનો ઉપયોગ પણ કરે છે. ભાટિયા લોકો મહારાજોને એટલા બધા પવિત્ર ગણે છે કે આબરૂદાર કુટુંબોના માણસો પણ તેમની વહુ- બેટીઓને તેમની સાથે શરીરસંબંધ બંધાવીને પોતાને ધન્ય ગણે છે. ગોપીનાથ નામનો તેમનો મુખ્ય મહારાજ સૌથી વધારે વ્યભિચારી છે અને તે હંમેશા નશામાં ચકચૂર રહે છે.”
દુનિયાનો કોઈ પણ ધર્મ મહિલાઓ પ્રત્યે પૂર્વગ્રહવાળો રહ્યો છે. કેમકે ધર્મની રચના પુરુષોએ કરી છે. મોટાભાગની અંધશ્રદ્ધાઓ પાછળ ધર્મસત્તા ટકાવવાનો આશય હોય છે.
માત્ર 43 પેજની લઘુ પુસ્તિકા ‘કરસનદાસ મૂળજી જીવન-નોંધ’ (લેખક : મકરંદ મહેતા- અચ્યુત યાજ્ઞિક, સંપાદન: ગૌરાંગ જાની- કેતન રુપેરા) આંખો ખોલી નાખે છે.
સાહિત્યકાર ધીરુબહેન પટેલ લખે છે: “કરસનદાસ વહેલા જન્મી પડેલો માણસ, એ જમાનામાં ‘મિસ ફિટ’ થાય તેવો માણસ. ‘હું અને મારું જીવન’થી બહાર નીકળે છે તે દુઃખી થાય છે. આજના જમાનામાં પણ કરસનદાસ ફરી જન્મે તો સુખી ન થાય. પાછો સુધારાનો ઝંડો ઉઠાવવો જ પડે. ધર્મગુરુઓનું વર્ચસ્વ સ્વતંત્ર બુદ્ધિને સાંખી શકે નહીં!”
BY: રમેશ સવાણી











