વલસાડ: ગુજરાતમાં સર્પદંશથી થતા મૃત્યુદરને ઘટાડવા માટે રાજ્ય સરકાર એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત ટૂંક સમયમાં પોતાનું રિજન-સ્પેસિફિક (પ્રાદેશિક) એન્ટિવેનમ લોન્ચ કરવા જઇ રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કાર્યરત ‘સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટયુટ’ (SRI) દ્વારા સ્થાનિક પ્રજાતિના સાપોના ઝેરમાંથી તૈયાર કરાયેલું આ એન્ટિવેનમ અન્ય રાજ્યો કે દૂરના વિસ્તારોના એન્ટિવેનમ કરતા વધુ અસરકારક સાબિત થશે.

ધરમપુરમાં ‘સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટયુટ’ (SRI) કેમ્પસ માટે 2.25 હેક્ટર જમીનમાં ફેલાયેલું છે જે આગામી સમયમાં વિશ્વસ્તરીય સંશોધન કેન્દ્ર તરીકે ઉભરી આવશે. SRIના વાઇસ-ચેરમેન ડૉ. ડી.સી. પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક ઝેરથી બનેલું એન્ટિવેનમ સારવારનો સમય ઘટાડશે અને દર્દીઓના બચવાની સંભાવના વધારશે. આમ, આ પહેલ દ્વારા ગુજરાત ભારતનું એવું અગ્રણી રાજ્ય બનશે જે પોતાની પ્રાદેશિક વિશેષતા મુજબના એન્ટિવેનમ સાથે આરોગ્ય ક્ષેત્રે નવો અધ્યાય લખશે.

નિષ્ણાતોના મતે, ભારતમાં દર વર્ષે આગુજરાતને શરે 58,000 લોકો સર્પદંશને કારણે જીવ ગુમાવે છે, જેમાં ગુજરાત હાઇ-બર્ડન રાજ્યોની યાદીમાં સામેલ છે. હાલમાં વપરાતું પોલીવેલેન્ટ એન્ટિવેનમ મુખ્યત્વે તમિલનાડુની ઇરુળા સોસાયટી દ્વારા એકત્રિત કરાયેલા ઝેરમાંથી બને છે. જોકે, ભૌગોલિક સ્થિતિ મુજબ સાપના ઝેરની અસર બદલાતી હોવાથી તે ઘણીવાર સ્થાનિક કિસ્સાઓમાં ઓછું અસરકારક રહે છે. આ સમસ્યાના ઉકેલ માટે SRI ખાતે હાલમાં ગુજરાતના વિવિધ ભાગોના 460 જેટલા ઝેરી સાપો રાખવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા તાજેતરમાં ઇન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાઇપર અને સો-સ્કેલ વાઇપર જેવી મુખ્ય ચાર પ્રજાતિના ઝેરની ઇ-હરાજી કરવામાં આવી હતી. આ ઉચ્ચ ગુણવત્તાના ઝેરના પાવડર માટે કોબ્રાના ઝેર દીઠ ગ્રામ 44,000 અને વાઇપર માટે 56,500 સુધીના ભાવ મળ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2024માં શરૂ થયેલા ‘નેશનલ એક્શન પ્લાન’ મુજબ વર્ષ 2030 સુધીમાં સર્પદંશના મૃત્યુમાં 50 ટકા ઘટાડો કરવાનું લક્ષ્ય છે. આ દિશામાં ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન હેઠળ કાર્યરત આ સંસ્થાએ અત્યાર સુધીમાં 300થી વધુ રેસ્કયુઅર્સ અને 1,495 જેટલા તબીબોને ખાસ તાલીમ આપી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here