નવસારી: આજરોજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ, પ્રોહિબિશનના ગુનાઓ નાબૂદ કરવા માટે કાર્યરત નવસારી LCB (Local Crime Branch) ની ટીમે રાનકુવા વિસ્તારમાં એક અત્યંત સાહસિક ઓપરેશન પાર પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
ગત મોડી રાત્રીના રોજ LCB ના જાંબાઝ સ્ટાફે પોતાની જાનની પરવા કર્યા વગર બુટલેગરોનો પીછો કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મેળવી છે. LCB સ્ટાફના HC અયાઝ મતરફ તથા PC તાહિરઅલી શાહબુદ્દીન નાઓને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે રાનકુવા સર્કલ પાસે વ્યૂહાત્મક નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન રૂમલા તરફથી આવતી શંકાસ્પદ i20 કાર (નંબર – GJ 15 CA 9263) ના ચાલકે પોલીસની નાકાબંધી જોઈ ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની હાજરી જોઈ બુટલેગરોમાં ગભરાટ ફેલાયો હતો. રાનકુવા પોલીસ ચોકી પાસે જાહેર રોડ પર દારૂ ભરેલી કાર મૂકી ચાલક અને ક્લીનર અંધારાનો લાભ લઈ ભાગવા લાગ્યા હતા. LCB ની ટીમે જાનના જોખમે આ શખ્સોનો પીછો કર્યો હતો, જેમાં ક્લીનર નરેશભાઈ મોહનભાઈ નાયક (રહે. વાપી) ને રંગેહાથ દબોચી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો.
LCB એ કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કી અને વોડકાની નાની-મોટી કુલ 1260 બોટલો મળી આવી હતી. કુલ કિંમત: ₹ 2,64,000/- નો પ્રોહી મુદ્દામાલ. ઝડપાયેલ વાહન: આઈ-20 કાર (કિંમત અલગથી) છે.
LCB ની પ્રશંસનીય કામગીરી અને બુટલેગરોમાં ફફડાટ
બુટલેગરો અવનવા કીમિયા અજમાવી દારૂની હેરાફેરી કરતા હોય છે, પરંતુ નવસારી LCB ની ટીમે તેમના તમામ કીમિયાઓને અસફળ સાબિત કર્યા છે. આ ઓપરેશનમાં પોલીસ કર્મચારીઓએ બુટલેગરોને પકડવા માટે જે રીતે દોડ લગાવી અને જે હિંમત બતાવી છે તેનાથી સમગ્ર પંથકના ગેરકાયદેસર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલ અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.











