ડાંગ: ખેલો ઇન્ડિયા ટ્રાયબલ રમત અંતર્ગત ઝારખંડ ખાતે યોજાયેલી રનિંગ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ગાઢવી ગામના 20 વર્ષીય યુવાન સંતોષ ગાવિતે રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. સંતોષની આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી સમગ્ર ડાંગ જિલ્લામાં આનંદ અને ગર્વની લાગણી છવાઈ ગઈ છે.
નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં સંતોષે કઠિન મહેનત, અડગ શિસ્ત અને સતત પ્રયત્નોથી આ સફળતા મેળવી છે. અગાઉ પણ તે ડાંગ ખેલ મહાકુંભ, યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધાઓ તેમજ સાંસદ ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમ મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપી ચૂક્યો છે. છેલ્લા બે વર્ષથી સંતોષ સાપુતારા ખાતે કોચ અલ્કેશ સર અને સુરેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નિયમિત તાલીમ લઈ રહ્યો છે. બંને કોચોએ તેને આર્થિક અને પ્રેક્ટિસ સંબંધિત સહાય સાથે સતત પ્રોત્સાહન આપ્યું છે, જે તેના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થયું છે.
ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સંતોષ ગાવિત હાલ પોતાનું સંપૂર્ણ ધ્યાન રનિંગ પર કેન્દ્રિત કરી રહ્યો છે. ડાંગનો આ પ્રતિભાશાળી ખેલાડી આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.











