માંડવી: વાપીથી શામળાજી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, માંડવીથી આશરે પંદર કિલોમીટરના અંતરે લુહારવડ ગામની સીમમાં હાઇવેને અડીને દૂધમોગરા માતાનું પવિત્ર થાનક આવેલું છે. આ દેવથાનકનો સમગ્ર વિસ્તાર માંડવી રેન્જના વનવિભાગના નિયંત્રણ હેઠળ આવેલો છે, જેના કારણે અહીંનો કુદરતી માહોલ આજે પણ અખંડ અને હરિયાળો રહ્યો છે.

સાતપુડાના ડુંગરોની હારમાળાના અંતિમ મણકા સમાન ઉમરપાડાના જંગલ વિસ્તારમાં આવેલા નાના-મોટા ડુંગરોમાંથી નીકળતી વીરા નદી આ સ્થળને વિશેષ પાવનતા આપે છે. આ નદી દૂધમોગરાના પૂર્વ ભાગે આવેલા ડુંગરને અડીને ઉત્તરથી દક્ષિણ દિશામાં વહેતી વહેતી અંતે તાપી નદીને મળી જાય છે. આસપાસના ઘન જંગલો, ડુંગરો અને વહેતી નદીના કારણે આ સ્થળ કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક શાંતિનો અદભુત સમન્વય રજૂ કરે છે.

આ પવિત્ર પરિસર આદિવાસી સમાજ માટે અખૂટ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે, જ્યાં વર્ષભર ભક્તો દર્શન અને પૂજા માટે ઉમટતા રહે છે. કુદરતની ગોદમાં વસેલું દૂધમોગરા માતાનું આ થાનક ધાર્મિક મહત્ત્વ સાથે સાથે પર્યાવરણના સંરક્ષણનું જીવંત ઉદાહરણ પણ બની રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here