નવસારી: આજરોજ ​નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ દ્વારા ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન આપવામાં આવેલું નિવેદન એ માત્ર રાજકીય ભાષણ નથી, પરંતુ જનતાના દબાયેલા અવાજની અભિવ્યક્તિ છે. કોંગ્રેસ પક્ષ શૈલેષભાઈના આ આક્રમક વલણને સંપૂર્ણ સમર્થન જાહેર કરે છે અને ભ્રષ્ટ અધિકારીઓ તેમજ સત્તાના નશામાં ચૂર શાસકોને સ્પષ્ટ ચેતવણી આપે છે.

​ઇતિહાસ સાક્ષી છે કે કાયર લોકો જ નિઃશસ્ત્ર અને વૃદ્ધો પર હુમલો કરે છે. કોંગ્રેસ હંમેશા અન્યાય સામે લડનારી “મર્દોની ફોજ” રહી છે. અમે સત્તામાં બેઠેલા અતતાયીઓ સામે આંખમાં આંખ મિલાવીને લડવા તૈયાર છીએ. જે અધિકારીઓ કલેક્ટર, એસ.પી. કે પી.આઈ. ના હોદ્દા પર રહીને જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે અને સત્તાધારી પક્ષના એજન્ટ બનીને કામ કરી રહ્યા છે, તેમની યાદી તૈયાર છે. પરિવર્તન એ કુદરતનો નિયમ છે, અને જ્યારે કોંગ્રેસ સત્તા પર આવશે ત્યારે દરેક ભ્રષ્ટ વ્યવહારનો હિસાબ લેવામાં આવશે.

સામાન્ય જનતા સાથે થતા અન્યાય સામે અમે મૌન રહેનારા નથી. શૈલેષભાઈએ જે રીતે “શેરીમાં આવીને શિકાર” કરવાની વાત કરી છે, તેનો અર્થ સ્પષ્ટ છે કે હવે લડાઈ એસી ચેમ્બરોમાં નહીં પણ જનતાની વચ્ચે રસ્તા પર લડાશે. અમારી પાસે લાંબુ વિઝન છે. આવનારા 25 વર્ષોમાં કોંગ્રેસ ગુજરાતના રાજકારણમાં નૈતિકતા અને પારદર્શિતા લાવવા માટે કટિબદ્ધ છે. ​”અમે એવા સિંહ છીએ જે અન્યાયના જંગલમાં શિકાર કરતા અચકાતા નથી. જે ભ્રષ્ટ અધિકારીઓ આજે સત્તાના જોરે ગરીબોને હેરાન કરે છે, તેઓ યાદ રાખે કે સમયનું ચક્ર હંમેશા ફરે છે.”
નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ

​સત્તાધારી પક્ષને ખુલ્લો પડકાર:
​ભાજપના શાસનમાં વહીવટીતંત્ર જે રીતે પક્ષપાતી બન્યું છે, તેનો અંત નજીક છે. શૈલેષભાઈના નિવેદનથી ડરવાની જરૂર માત્ર તેમને જ છે જેમણે પાપ કર્યા છે. પ્રામાણિક અધિકારીઓએ ગભરાવાની જરૂર નથી, પરંતુ જેઓ જનતાનું લોહી ચૂસે છે તેમને કોંગ્રેસ છોડશે નહીં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here