ઓડિશા: બારગઢ જિલ્લાના વતની અને પદ્મશ્રી વિજેતા કવિ હલધર નાગની સાદગી અને સાહિત્યિક પ્રતિભા ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. તેમના સાહિત્યનો સંગ્રહ ‘હલધર ગ્રંથાવલી-2’ હવે સંબલપુર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવવાનો છે, જે તેમની કોસલી ભાષાની કવિતાઓ અને મહાકાવ્યોને વિદ્યાર્થીઓમાં વ્યાપકપણે પહોંચાડશે. આ ઘટના સાદગી, પ્રતિભા અને સંસ્કૃતિના સન્માનનું ઉત્તમ ઉદાહરણ છે.

હલધર નાગ, જેમને ‘લોક કવિ રત્ન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, માત્ર ત્રીજા વર્ગ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. તેમ છતાં, તેઓ પોતાની તમામ કવિતાઓ અને 20 મહાકાવ્યોને સ્મૃતિમાંથી સંપૂર્ણ રીતે પાઠ કરી શકે છે. તેમનું જીવન અત્યંત સાદું છે તેમની પાસે માત્ર ત્રણ સેટ કપડાં, એક તૂટેલી રબરની ચંપલ, રિમલેસ ચશ્મા અને બેંકમાં માત્ર 732 રૂપિયાની બચત છે. તેમ છતાં, તેમના કાર્ય પર પાંચ વિદ્વાનોએ પીએચડી કરી છે, અને તેઓ ‘પીપલ્સ પોએટ’ તરીકે જાણીતા છે.

2016માં, હલધર નાગને તેમના સાહિત્યિક યોગદાન માટે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પુરસ્કારની જાણકારી મળતાં કહ્યું હતું કે, “સાહેબ, મારી પાસે દિલ્હી જવાના પૈસા નથી, કૃપા કરીને પુરસ્કાર પોસ્ટથી મોકલી આપો.”  આ વાત તેમની સાદગીનું જીવંત ઉદાહરણ છે. આજે પણ તેઓ રાગ ચણા વેચીને અથવા નાની સ્ટેશનરીની દુકાન ચલાવીને જીવન ગુજારે છે અને અનાથાશ્રમને દાન કરે છે.

તાજેતરમાં, 2025માં બારહગુડામાં તેમના સન્માનમાં ‘હલધર – સૃજના આર દર્શન’ નામનું બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયું હતું. તેમજ, 2026માં ઝારસુગુડા લોક મહોત્સવ દુલદુલીમાં તેઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના સાહિત્યને યુનિવર્સિટી અભ્યાસક્રમમાં સામેલ કરવું એ કોસલી ભાષા અને પ્રાદેશિક સાહિત્યને પ્રોત્સાહન આપશે, અને તે વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે કે પ્રતિભા કોઈ ઔપચારિક શિક્ષણની મોહતાજ નથી. આ ઘટના દર્શાવે છે કે સાચી પ્રતિભા અને સમર્પણ કેવી રીતે સમાજને પ્રભાવિત કરી શકે છે. હલધર નાગ જેવા વ્યક્તિત્વો ભારતીય સંસ્કૃતિના સાચા રત્ન છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here