વલસાડ: વલસાડ-ડાંગ લોકસભા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીના સતત પ્રયાસો અને હાઈવે ઓથોરિટી (NHAI)ને કરાયેલી રજૂઆતોના પરિણામે આજથી NH-56 વાપીથી નાનાપોંઢા, ધરમપુર, વાંસદા સુધીના રોડનું મરામત અને રિપેરિંગ કામ શરૂ થયું છે.
આ રોડ પર લાંબા સમયથી ખાડાઓ, તૂટ-ફૂટ અને ખરાબ સ્થિતિને કારણે મુસાફરો, વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામ્યજનોને ભારે મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આ રસ્તો મુખ્ય કનેક્ટિવિટી પૂરું પાડે છે, જેથી તેની સ્થિતિ સુધારવી અત્યંત જરૂરી હતી. સાંસદ ધવલભાઈ પટેલ અને સ્થાનિક ધારાસભ્યો જીતુભાઈ અને અરવિંદભાઈએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને NHAI અધિકારીઓ સાથે વાતચીત કરી, રજૂઆતો કરી અને આખરે આ કામ શરૂ થવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે.
લોકોની આ લાંબા સમયની માંગણી પૂરી થતાં કપરાડા, ધરમપુર, વાંસદા, નાનાપોંઢા વિસ્તારના સ્થાનિક સમુદાયમાં સરકાર પ્રત્યે આભાર અને સંતોષ વ્યક્ત થઈ રહ્યો છે.











