દક્ષિણ ગુજરાત: ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી ઉગાડવામાં આવતી લાલ પાપડી એક ખાસ દેશી પ્રજાતિ છે, જે ઘણા લોકોને પહેલી નજરે હાઈબ્રિડ કે લેબોરેટરીમાં વિકસાવેલી લાગે છે. પરંતુ આ સંપૂર્ણપણે દેશી અને સ્થાનિક છે ! આ પાપડીની ખાસિયત તેનો આકર્ષક લાલ રંગ અને અસલી સ્વાદ છે, જે આદિવાસી સમુદાયની પરંપરાગત ખેતીનું પ્રતીક છે.
દક્ષિણ ગુજરાતના વાંસદા, ચીખલી, વલસાડ, નાનાપોંઢા, ડાંગ અને તાપી જેવા આદિવાસી વિસ્તારોમાં આ લાલ પાપડી હજુ પણ મોટાભાગે ઘર પર જ માટે ઉગાડવામાં આવે છે. જ્યાં વધુ ઉત્પાદન થાય ત્યાં તેને સ્થાનિક હટવાળા (હટવાડા કે નાના બજારો) માં વેચવામાં આવે છે. શહેરી બજારોમાં આવી દેશી જાતો ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે તેનું વેચાણ મર્યાદિત અને સ્થાનિક સ્તરે જ થાય છે. આ લાલ પાપડી ‘હાઈસિન્થ બીન કે ફીલ્ડ બીન’ ની એક વિશિષ્ટ દેશી વેરાયટી છે, જે પરંપરાગત રીતે ગુજરાતી રસોઈમાં વપરાય છે–ખાસ કરીને ઉંધિયું, શાક અને અન્ય વાનગીઓમાં, તેના લાલ રંગના કારણે તે સામાન્ય લીલી પાપડી (સુરતી પાપડી કે વાલ પાપડી) થી અલગ દેખાય છે અને આદિવાસી ખેડૂતો તેને પેઢીઓથી સાચવી રાખે છે.
આવી દેશી બીજો અને શાકભાજીઓનું મહત્વ વધારે છે કારણ કે તે જૈવવિવિધતા, પરંપરાગત જ્ઞાન અને સ્થાનિક આર્થિક વ્યવસ્થાને જીવંત રાખે છે. આદિવાસી સમુદાય આવા બીજને બચાવીને પોતાની સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના જોડાણને મજબૂત બનાવે છે. જો તમને પણ આ લાલ પાપડીનો સ્વાદ ચખવો હોય તો દક્ષિણ ગુજરાતના આદિવાસી બજારોમાં જરૂર જુઓ – ત્યાંથી તમને આ અસલી દેશી ખજાનો મળી શકે છે !











