અમદાવાદ: જાગૃત નાગરિક કમલેશ કટારિયા અને તેમની ટીમે અમદાવાદના રખિયાલમાં સિટી પોઈન્ટ ખાતે 1 ફેબ્રુઆરી 2026ના રોજ ‘નાગરિક સભા’નું આયોજન કરેલું. આ સભામાં ‘પોલીસ ફરિયાદ કેમ નોંધતી નથી?’ આ વિશે ઉદ્બોધન કરેલું, તેના મુખ્ય મુદ્દાઓ:
[1] ગરીબ લોકોને/ મધ્યમ વર્ગના લોકોને પોલીસ સામે ફરિયાદ છે કે પોલીસ અમારી સાથે ગેરવર્તન કરે છે, ફરિયાદ નોંધતી નથી.
[2] પોલીસ ગરીબો સાથે કેમ ગેરવર્તન કરે છે? આપણી પોલીસ બ્રિટિશ રાજ વેળાની/ રજવાડા સમયની માનસિકતા ધરાવે છે. તેનું ચરિત્ર ફ્યુડલ-સામંતવાદી છે.
[3] સામંતવાદી ચરિત્ર એટલે? શક્તિશાળીની ચાપલૂસી કરે અને નબળાને હડધૂત કરે, અપમાન કરે, પાટું મારે. આ સામંતવાદી ચરિત્ર છે.
[4] પોલીસ ગરીબ/ વંચિત/ દલિત/ આદિવાસી / લઘુમતી વગેરેનું અપમાન કરશે અને સત્તાપક્ષના નેતાઓની/ ઉદ્યોગપતિઓની/ ધર્મગુરુઓની ચાપલૂસી કરશે. ગરીબોના વરઘોડા કાઢશે અને પૈસાવાળાની સેવા કરશે.
[5] પોલીસ FIR કેમ નોંધતી નથી? (1) સામંતવાદી માનસિકતા. (2) ગુના ઓછા બને છે તેવો દેખાડો કરવાની વૃત્તિ. (3) ઓછું મહેકમ/ અમેરિકા/ કેનેડા/ યુરોપમાં 1 લાખની વસ્તીએ 200-300 પોલીસ હોય છે. જ્યારે ભારતમાં આ પ્રમાણ 129-155નું છે. ગુજરાતમાં આ પ્રમાણ 123નું છે. તેમાં તાલીમ પામેલા પોલીસ ઘરઘાટીનું કામ કરે છે. (4) VIP બંદોબસ્તમાં રોકાયેલા રહે છે. રાજકોટ વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાનના બંદોબસ્તમાં 4,500 પોલીસ કર્મચારીઓ હતા. 10 IPS/ 20 DySP/ 50 PI/ 100 PSI રોકાયેલા હતા. વડાપ્રધાનની અમદાવાદ રેલીમાં 6000 પોલીસ રોકાયેલા હતા. (5) તપાસ કરવી/ પુરાવા એકત્ર કરવા/ ચાર્જશીટ કરવું અને પછી તપાસ અધિકારીએ કોર્ટની મુદતે ધક્કા ખાવાના! એટલે પોલીસ ટૂંકમાં પતાવે છે.
[6] શું પોલીસ તંત્રને સુધારવા કોઈ પ્રયત્નો થયા છે? નેશનલ પોલીસ કમિશન 1977થી 1981 સુધી કાર્યરત રહ્યું અને 8 રિપોર્ટ આપ્યા. 8 રિપોર્ટમાં કુલ 291 ભલામણો કરી. આમાં પોલીસની ભરતી, તાલીમ, રાજકીય હસ્તક્ષેપ રોકવો, નવો પોલીસ એક્ટ, પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરિટીની રચના અને અન્ય સુધારાની ભલામણો છે. મોટાભાગની ભલામણોનો અમલ નથી થયો. 2006માં, સુપ્રીમ કોર્ટે પ્રકાશ સિંહ કેસમાં NPCની કેટલીક ભલામણોને આધારે 7 ડાયરેક્ટિવ્સ આપ્યા, પરંતુ તેનો પણ મોટા ભાગના રાજ્યોમાં પૂર્ણ અમલ થયો નથી. ગુજરાતમાં ‘પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરિટી’ છે તેનો લોકોને ખ્યાલ નથી. આ ઓથોરિટી સમક્ષ પોલીસ અધિકારી સામે ફરિયાદ કરી શકાય છે. જોકે આ ‘પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરિટી’ પણ કાગળ પર જ છે. એની પાસે કોઈ સત્તા નથી!
[7] આપણે નાગરિક નથી, જ્ઞાતિ મુજબ પ્રજા છીએ. દલિત પરના અત્યાચારનો વિરોધ દલિતો કરે ! કોળી પરના અત્યાચારનો વિરોધ કોળી કરે. પાટીદારો પરના અત્યાચારનો વિરોધ પાટીદારો કરે. આવું શા માટે? નાગરિક વિરોધ કેમ નહીં? જ્ઞાતિ મુજબ વિરોધ/ પોતાની જ્ઞાતિના આરોપીઓનું સમર્થન/ જ્ઞાતિવાદ/ ધર્મવાદ/ સંકુચિતતા. બે ઉદાહરણ: વિપક્ષી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ડ્રગ્સ દારૂ સામેની ઝુંબેશ શરૂ કરી તો તેમને બદનામ કરવાની ઝુંબેશ શરૂ થઈ. બગદાણામાં નવનીતભાઈ બાલધિયા પરના આતંકી હુમલામાં પોલીસે આરોપીઓને છાવર્યા!
[8] નથી પોલીસ સુધરતી કે નથી સરકાર સુધરતી. તો ઉપાય શું? (1) અન્યાય સામે બોલવું. (2) સામૂહિક અવાજ ઊઠાવવો/ એકલા અવાજનું કોઈ મૂલ્ય નથી. (3) લોકશાહીમાં દાબજૂથનું મહત્ત્વ. નાગરિક સભાનતા એ જ ઉકેલ.
BY: રમેશ સવાણી









