રાજસ્થાન: ઓલ ઇન્ડિયા નેશનલ ગેમ્સ ચેમ્પિયનશિપ ૨૦૨૬ રાજસ્થાનના અજમેર ખાતે યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર નવસારી-વાંસદા વિસ્તારના પ્રતિભાશાળી એથ્લીટ ચેતન ભગરીયાએ શાનદાર પ્રદર્શન કરીને બહુવિધ મેડલ જીત્યા અને રાજ્યના ગૌરવમાં વધારો કર્યો.

Decision News ને મળેલી માહિતી મુજબ ચેતને 800 મીટર દોડમાં સિલ્વર મેડલ (રજત પદક) અને 200 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ (કાંસ્ય પદક) મેળવ્યા. આ ઉપરાંત 4 × 100 મીટર રિલે રેસમાં પણ તેમની ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતના નામને વધુ ઉજાગર કર્યું. આ ઉપલબ્ધિ બદલ ચેતનના કોચ એફ.બી. મિર્ઝા અને ગણપત માહલા તેમજ ગામના આગેવાનો અને સ્થાનિક સમુદાય દ્વારા હર્ષ અને અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા હતા. બધાએ ચેતનની મહેનત, નિયમિત પ્રેક્ટિસ અને દેશ-રાજ્ય માટેના સમર્પણની પ્રશંસા કરી.

આ સફળતા પછી ચેતન ભગરીયા હવે આગામી પસી ઇન્ટરનેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે તૈયારીઓ શરૂ કરી રહ્યા છે, જે ઇન્ડોનેશિયામાં યોજાનાર છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત દેશનું પ્રતિનિધિત્વ કરીને તેઓ ભારતના ઝંડાને ઉંચો લહેરાવવાની આશા રાખે છે. ચેતન ભગરીયાની આ સિદ્ધિ ગુજરાતના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે અને દર્શાવે છે કે સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી કોઈ પણ ઊંચાઈ સર કરી શકાય છે.