વાંસદા: ગતરોજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની ગણતરીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભાજપના પ્રભાવશાળી કાર્યકર અને સિંગાડ ગામના માજી સરપંચ તેમજ ભાજપના મહામંત્રી ભગુભાઈ શીંગાડ તેમના પુત્ર નિલેશ શીંગાડ અને યુવા કાર્યકર કુંજનભાઈ સહિત કોંગ્રેસમાં જોડાતા વાંસદાના રાજકીય વાતાવરણમાં એકાએક ખળભળાટ મચી ગયો છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આ નિર્ણય વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિકુંજભાઈની આગેવાની હેઠળ અને વાંસદા-ચીખલી વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં લેવામાં આવ્યો છે. ભગુભાઈ શીંગાડ શિક્ષિત અને ભણેલા-ગણેલા વ્યક્તિ તરીકે જાણીતા છે, જ્યારે તેમના પુત્ર નિલેશ અને કુંજનભાઈ યુવા પેઢીના પ્રતિનિધિ છે. ખાસ વાત એ છે કે કુંજનભાઈએ સિંગાડ ગામમાં મનરેગા (MGNREGA) યોજનામાં થયેલા કૌભાંડને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેઓ સ્થાનિક સ્તરે ચર્ચામાં રહ્યા છે.
આ જોડાણને કારણે વાંસદા તાલુકામાં કોંગ્રેસને મજબૂતી મળી રહી છે, જ્યારે ભાજપને સ્થાનિક સ્તરે ફટકો પડ્યો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓમાં આ વિકાસની અસર જોવા મળી શકે છે. સ્થાનિક કાર્યકરોમાં આ ઘટનાએ નવી ચર્ચા જગાવી છે અને રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા હોવાનું લાગે છે. આ ઘટના વાંસદા વિસ્તારના રાજકારણમાં નવી લહેર લાવી શકે છે.











