નવસારી: 26 જાન્યુઆરી માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી; આ દિવસ આત્મચિંતન, આત્મસંકલ્પ અને આત્મજાગૃતિનો દિવસ છે. આ એ દિવસ છે, જ્યારે ભારતે પોતાને માત્ર સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે નહીં, પરંતુ એક મૂલ્યનિષ્ઠ, ન્યાયપ્રધાન અને લોકતંત્રાત્મક સમાજ તરીકે ઘડવાનો સંકલ્પ લીધો. બંધારણ એ કાગળનો દસ્તાવેજ નથી, તે આપણા વિચાર, વર્તન અને નિર્ણયોમાં જીવંત રહે ત્યારે જ તેનું સાચું મૂલ્ય સાબિત થાય છે.
આજના દિવસે જ્યારે હું 2047ના વિકસિત ભારત વિશે વિચારું છું, ત્યારે મારી કલ્પના ફક્ત ઊંચી ઇમારતો, હાઈવે કે આંકડાઓ સુધી સીમિત નથી. વિકસિત ભારત એટલે એવું ભારત, જ્યાં વિકાસનો અર્થ માનવીય વિકાસથી માપવામાં આવે; જ્યાં છેલ્લો માણસ પણ પ્રથમ પંક્તિમાં અનુભવ કરે. જ્યાં શિક્ષણ માત્ર પરીક્ષા પાસ કરવાનું સાધન નહીં, પરંતુ ચેતનાથી ભરપૂર નાગરિક ઘડવાનું માધ્યમ બને. 2047નું ભારત મારા માટે એવું ભારત છે, જ્યાં યુવાનો માર્ગ ન શોધતા, પરંતુ માર્ગ બનાવે છે. જ્યાં ગામડાં શહેરની નકલ ન કરતા, પરંતુ પોતાની ઓળખ સાથે વિકાસનું નેતૃત્વ કરે. જ્યાં આદિવાસી સમાજને “પાછળ પડેલો” નહીં, પરંતુ ભારતની જ્ઞાનપરંપરાનો મજબૂત આધારસ્તંભ માનવામાં આવે.
આ વિચારોથી જ GGVT જેવી પહેલનો જન્મ થયો. GGVT મારા માટે કોઈ સંસ્થા કે પ્રોજેક્ટ નથી, પરંતુ એક દીર્ઘકાળીન સામાજિક યાત્રા છે. તેની રૂપરેખા ખૂબ સ્પષ્ટ છે. પ્રથમ, જાગૃતિ—અધિકાર, બંધારણ, શિક્ષણ અને આત્મગૌરવ વિશે. કારણ કે જાણકાર નાગરિક જ સશક્ત નાગરિક બને છે. બીજું, ક્ષમતાવર્ધન—યુવાનો, મહિલાઓ અને સમુદાયને કૌશલ્ય, નેતૃત્વ અને આત્મવિશ્વાસ આપવો. ત્રીજું, આર્થિક સ્વાવલંબન—સ્થાનિક સંસાધન, પરંપરાગત કળા અને ઉદ્યોગ દ્વારા આવકના સન્માનજનક અવસર સર્જવા.
GGVTનો ચોથો આધારસ્તંભ છે પર્યાવરણ અને ધરતી. વિકાસ ત્યારે જ સાચો કહેવાય, જ્યારે તે કુદરત સાથે સંવાદમાં હોય. જંગલ, જળ અને જમીનનું સંરક્ષણ એ ભવિષ્યની પેઢી પ્રત્યેની અમારી જવાબદારી છે. અને પાંચમો આધારસ્તંભ છે નીતિ સાથે સંવાદ ગ્રાસરૂટના અનુભવ, ડેટા અને સંશોધન દ્વારા નીતિ નિર્માણ સુધી અવાજ પહોંચાડવો.
મારો માટે દેશપ્રેમ નારા કે ઉજવણી સુધી સીમિત નથી. તે શિક્ષણમાં, સમાજ કાર્યમાં અમલ કરીને અને સતત શીખવાની પ્રક્રિયામાં સામેલ છે. હું માનું છું કે દેશને બદલવા માટે પહેલા જાતને ઘડવી પડે છે. એક જાગૃત શિક્ષક, એક જવાબદાર નાગરિક અને એક સંવેદનશીલ માનવી તરીકે કાર્ય કરવું એ જ મારી રાષ્ટ્રીય સેવા અને ઋણ અદા કરવાનું માધ્યમ છે.
આ 26 જાન્યુઆરીએ એક જ સંકલ્પ છે,બંધારણને વાંચીને નહીં, પરંતુ રોજિંદા જીવનમાં અમલ કરીને જીવંત રાખવાનો.
BY: તેજસ પટેલ











