છોટાઉદેપુર: આજરોજ છોટાઉદેપુર જિલ્લાના ભાજપ સંગઠનમાં તાજેતરમાં કરવામાં આવેલી હોદ્દેદારોની જાહેરાતમાં નસવાડી તાલુકામાં પાંચ કાર્યકરોને મહત્વપૂર્ણ હોદ્દા આપવામાં આવતાં કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ દ્વારા વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ છોટાઉદેપુર જિલ્લા સંગઠન પ્રમુખ ઉમેશ ભાઈ રાઠવા દ્વારા જિલ્લા ભાજપ સંગઠન ના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં નસવાડી તાલુકાના પાંચ કાર્યકરોને વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે, જેનાથી તાલુકાના ભાજપ કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો છે. લાંબા સમયથી સંગઠન માટે સમર્પિત રીતે કાર્ય કરી રહેલા કાર્યકરોને જવાબદારી મળતા ભાજપ સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાહેરાત મુજબ નસવાડી તાલુકાના ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહ અને ભીલ દિલીપભાઈ નરસિંહભાઈને જિલ્લા ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ડુ ભીલ સીમીબેન વિઠ્ઠલભાઈને જિલ્લા મંત્રી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ઉપરાંત બક્ષીપંચ (ઓબીસી) મોરચાના પ્રમુખ તરીકે ડબગર સંજયભાઈ અરવિંદભાઈ તથા અનુસૂચિત જન જાતિ મોરચાના પ્રમુખ તરીકે ડુ ભીલ અરવિંદભાઈ સવજીભાઈની જાહેરાત કરવામાં આવી છે.
નસવાડી તાલુકાના પાંચ કાર્યકરોને સંગઠનમાં સ્થાન મળતા તાલુકાના ભાજપ કાર્યકરો અને સમર્થકો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. કાર્યકરોનું માનવું છે કે આ તમામ હોદ્દેદારો પોતાના અનુભવ અને સમર્પણથી સંગઠનને વધુ મજબૂત બનાવશે તેમજ સરકારની યોજનાઓને ઘરઘર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ જાહેરાતથી આવનારા સમયમાં નસવાડી તાલુકામાં ભાજપ સંગઠન વધુ સક્રિય અને સશક્ત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.











