ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રૂમલા ગામમા નવીન બ્રિજના જમીન સંપાદનમા કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહીત માત્ર 4 જ ખેડૂત ખાતેદારોનાં નામના કાગળ મળી આવતા સ્થાનિકોનો રોષ ભભુકી ઉઠતા નિર્માણની કામગીરી યોગ્ય ખુલાસો મળે ત્યાંસુધી અટકાવવામાં આવી છે.
સ્થાનિકોના Decision News ને જણાવ્યા અનુસાર હાલમાં સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ કિમી 0/000 થી 38/400 રોડના હયાત રોડને 4 માર્ગીય મજબૂતીકરણ તથા હયાત બ્રિજની બાજુમાં નવીન મેજર બ્રિજ બનાવવાની કામગીરી માટે ખાનગી જમીન સંપાદન સંબંધિત જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે.જેમાં રોડની કામગીરી માટે આવેલ અધિકારીઓ અને ચીખલી પ્રાંત અધિકારીને સંબોધીને લેખિતમાં અરજી કરી રૂમલા-ઘોલાર-પાણીખડક પંથકના ખેડૂતોએ વિરોધ કરતા જણાવેલ કે તેમના જેવા અનેક ખેડૂત ખાતેદારોની રોડટચ જગ્યાઓ દબાણનાં નામે વળતર વગર કબજે લેવાય રહી છે અને લોકોના ધંધા રોજગાર પર ગંભીર અસર થઇ રહી છે. તેની સામે તેઓના ધ્યાનમાં આવેલ છે કે હાલના કેબિનેટ આદિજાતિ મંત્રી અને ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્ય નરેશભાઈ મગનભાઈ પટેલ અને તેમના મોટા ભાઈ અને નિવૃત વર્ગ 1 અધિકારી ઝવેરભાઈ મગનભાઈ પટેલનાં નવો સર્વે નંબર 501 અને જૂનો સર્વે નંબર 437-બ અને સંપાદન હેઠળનું થતું ક્ષેત્રફળ હે.આરે.ચોમી. 17.28 તેમજ નવા સર્વે નંબર 502 માદાભાઈ આયતાભાઈ તેમજ અન્ય તેમના પરિવારજનોની 34.95, સર્વે નંબર 503 નાં બાબુભાઇ છીમાભાઈ તથા તેમના પરિવારજનોની 18.72 હે.આરે.ચોમી.અને સર્વે નંબર 1016 મા દલુભાઈ બાબલુભાઈ તથા તેમના પરિવારજનોની 43.62 હે.આરે.ચોમી. ના નામો જ માત્ર વળતરની યાદીમાં સામેલ છે.
આ 4 ખાતેદારો સિવાય બ્રિજ અને રસ્તો પહોળો કરવાની કામગીરીમાં બીજા કોઈ ખાતેદારોની જમીન નથી જવાની ?જમીન જવાની હોય તો માત્ર આ 4 ખાતેદારોને જ કેમ વળતર?બ્રિજનો રૂટ અને બ્લુપ્રિન્ટ-નકશો તમામ વિગતો પ્રજાજનો સમક્ષ જાહેર કરો એવી માંગ ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ ઉઠાવી છે.
આ સ્ટેટ હાઇવે નવસારી જિલ્લાનાં ચીખલી-ખેરગામ તાલુકાનાં રૂમલા- આંબાપાડા-પાણીખડક ગામોની હદમાંથી પસાર થાય છે તે રસ્તો જ્યારે પણ બનેલ ત્યારે કેટલા ખેડૂતોની જમીન સંપાદન થયેલ અને તેમને કેટલું વળતર જે તે સમયે ચૂકવવામાં આવેલ અને જેટલી જગ્યા સંપાદન કરો છો તેની જાણકારી ખેડૂતોને આપી NOC મેળવેલ કે કેમ તેની વિગતો આપશો તેવી પણ માંગ ખેડૂતોએ કરેલ છે.
સૌથી પહેલા આ બધી બાબતોની જાહેર લેખિત સ્પષ્ટતા આક્રોશીત જનતા સમક્ષ કરશો ત્યારબાદ જ રસ્તો પહોળો અને નવીન બ્રિજનાં બાંધકામની કામગીરી કરશો એવી અન્યથા લોકોને વિશ્વાસમાં લીધા વગર આવી કોઈપણ કામગીરી કરશો તો આક્રોશીત ગ્રામજનો કાયદો હાથમા લઇ કાયદો વ્યવસ્થા હાથમા લેશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તે વાત ગંભીરતાથી ધ્યાને લેશો એવી પણ સ્થાનિક ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલિસ અધિક્ષક તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ,સ્ટેટ હાઇવે, ચીખલીને પણ નકલ જાણ સારુ રવાના કરી જાહેર જનહિતને ધ્યાને લઇ જમીન માલિકોની રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે.











