ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામ પાસેના ખાંડા ભાવડા રોડ પર એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક રિક્ષામાં મુસાફરી કરી રહેલા પરિવારના સભ્યોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં એક મહિલા અને એક નાના બાળકનું ઘટનાસ્થળેજ મોત થયું હતું.
ઘટના સ્થળ પર હાજર સુત્રએ Decision News ને જણાવ્યું તે મુજબ આંબા તલાટ ગામથી ખાંડા ભાવડા તરફ જઈ રહેલી એક ઓટો-રિક્ષામાં પરિવાર સાથે બાળકોના મામાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સાવરમાળ ગામ પાસેના પુલ નજીક GJ-15-AK-9008 નંબરનો એક હાઈવા (ભારે ટ્રક)એ ઓવરટેક કરવાના પ્રયાસમાં પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષા પૂરેપૂરી કચડાઈ ગઈ અને તેમાં સવાર વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ.
ઘટનામાં એક મહિલા અને એક બાળકનું ઘટનાસ્થળ પર જ અવસાન થયું હતું. બીજી બાજુ એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક રહી છે. જોકે બીજા એક બાળકીની તબિયત હવે થોડી સુધરી રહી છે અને તે જોખમમુક્ત થઈ રહી છે તેવું જાણવા મળ્યું છે. ઘટના ઘટિત થતા જ લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા અને બબાલ મચી ગઈ હતી.
ઘટના બાદ ધરમપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રક ચાલક સામે લાપરવાહી ભર્યું વાહન ચલાવવા અને ઓવરટેકિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અકસ્માતે સ્થાનિક વિસ્તારમાં શોકનું માહોલ સર્જ્યો છે. લોકો દ્વારા રોડ સેફ્ટી અને ભારે વાહનોની ઝડપ પર સખત નિયંત્રણની માંગ ઉઠી છે. આવા અકસ્માતો અટકાવવા માટે જાગૃતિ અને કડક કાર્યવાહીની જરૂર છે.











