અમદાવાદ: અમદાવાદમાં ખેડા સોશ્યલ સર્વિસ સોસાયટી ખાતે કપડવંજ તાલુકાના 26 નાગરિકો સમક્ષ 24-25 જાન્યુઆરી દરમ્યાન બંધારણના આમુખમાં લખવામાં આવેલા આદર્શો અને મૂલ્યો વિશે લગભગ દસ કલાક જે વાત કરી તેમાં આવરી લેવાયેલા મુખ્ય મુદ્દા આ રહ્યા:
(1) બંધારણથી પહેલી વાર જ ભારત નામનો દેશ આપણે બનાવ્યો છે. એ પહેલાં ભારત હતું જ નહીં. તેનો ઉદ્દેશ આપણે બંધારણની પહેલી લીટીમાં એટલે કે આમુખમાં લખ્યો છે. ભારત નામના રાજ્યની સ્થાપના 1950 માં સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય અને વ્યક્તિના ગૌરવની સ્થાપના કરવા માટે કરવામાં આવી છે. આપણે એ દિશામાં બહુ ધીમે ધીમે આગળ વધતા હતા. પણ અત્યારે એમ લાગે છે કે આપણે તેનાથી ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ.
(2) હાલ લોકોની અતિ ધાર્મિકતા ભયંકર હાનિકારક બની રહી છે. ઇશ્વર પરની શ્રદ્ધા અંધશ્રદ્ધા બની ગઈ છે અને તે દેશનું અને સમાજનું સત્યાનાશ નોંતરી રહી છે. ભારતનું બંધારણ ધર્મને જાહેર નહીં પણ ખાનગી અને વ્યક્તિગત બાબત ગણે છે. કોઈ પણ ધર્મને આધારે ભારત રચાયું જ નથી. તેથી હિંદુઓનો જ આ દેશ છે, અને બીજાઓનો છે જ નહીં, એવી માનસિકતા દેશ માટે વિઘાતક અને વિભાજનકારી છે. એવી વાત કરનારા જ ખરેખર તો ટુકડે ટુકડે ગેંગના સભ્યો છે.
(3) ભગવાન કશું સારું કે ખોટું કરતો નથી. જે કંઈ કરે છે તે મનુષ્ય જ કરે છે. દા. ત. કોઈ માણસ કોઈનું ખૂન કરે તો આપણે એમ નથી કહેતા કે ભગવાન એને એ મરી જાય પછી સજા કરશે, એને નરકમાં નાખશે કે ઉકળતા તેલમાં નાખી દેશે. આપણે સરકાર બનાવીને કાયદા ઘડીને એ ગુનેગારને સજા કરીએ છીએ કારણ કે આપણને ખબર છે કે ઇશ્વર, અલ્લાહ કે ગોડ જેવા ભગવાનો કશું કરતા જ નથી. એટલે જે ગરીબી, બેકારી અને કંગાલિયત વગેરે છે, જે અન્યાય અને અસમાનતા છે તે ભગવાનનું નહીં પણ આપણું પોતાનું સર્જન છે. ભારતનું બંધારણ તેથી એમ કહે છે કે જેઓ બજારમાં પોતાનું કલ્યાણ કરી શકતા નથી તેમનું કલ્યાણ કરવાની જવાબદારી સરકારની છે.
(4) જો ભારત સરકાર કોઈ પણ દેશના નેતાનું કહ્યું કરે અને પોતાની મેળે નિર્ણયો ન લે, અથવા કોઈ વિદેશી કંપનીઓનું કહ્યું કરે, અને એ કહે એમ કાયદા બનાવે કે કાયદામાં ફેરફાર કરે તો ભારતનું અને આપણું પોતાનું સાર્વભૌમત્વ આપણે ગુમાવ્યું કહેવાય.
(5) જાતિ ધર્મગત નફરત અને ભેદભાવ, ગરીબી, બેફામ અમીરી, અંધશ્રદ્ધા, બેકારી, ભ્રષ્ટાચાર, રાજકીય ભક્તિ અને હિંસા વગેરે ભારતની બીમારીઓ છે. આ બધી બીમારીઓ દૂર કરવાનો ઉપાય બંધારણમાં લખેલો છે. દેશનો મોટો વર્ગ આ બધી બાબતો અંગે કોમામાં જતો રહ્યો છે. એને આ બીમારીઓ દેખાતી જ નથી. આખા દેશની લોકશાહીને ભયાનક તાવ આવ્યો છે, લોકશાહી જાણે કે આઈસીયુમાં ડચકાં ખાઈ રહી છે. નાગરિકોની જાગૃતિ જ એને બચાવી શકે તેમ છે.
(6) નાગરિકની સ્વતંત્રતા સર્વોચ્ચ મૂલ્ય છે. હાલની સરકાર ઈચ્છે છે કે આપણે આઝાદ દેશની ગુલામ પ્રજા બની જઈએ. દેશની આઝાદી કરતાં લોકોની આઝાદી વધારે મહત્ત્વની વાત છે. બંધારણ આઝાદ ભારતના નાગરિકોને આઝાદ બનાવવા અને રાખવા માટે છે.
(7) રાજાઓ હતા ત્યારે આપણે પ્રજા હતા. હવે રાજાઓ નથી, માટે આપણે પ્રજા નથી. આપણે લોકશાહી દેશના નાગરિકો છીએ, એટલે 26 મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નહીં પણ નાગરિકસત્તાક દિન છે. આપણે નાગરિક બનવાનો આરંભ કર્યો 1950 માં 26 જાન્યુઆરીએ. નાગરિક બનીએ અને પાછા પ્રજા બનાવવા માગતાં તત્ત્વો સામે લડીએ.
(8) મનુષ્ય તરીકેના જે અધિકારો બંધારણમાં લખેલા છે એ આપણને પ્રજામાંથી નાગરિક બનાવે છે. એ અધિકારોનું રક્ષણ નાગરિકોની સૌ પ્રથમ ફરજ છે, ભલે એ બંધારણમાં લખેલી ન હોય. આપણે મચ્છર જેવા જંતુ નથી, એની ખાતરી સતત આપણે સરકારોને કરાવવાની જરૂર હોય છે.
BY: પ્રો. હેમંતકુમાર શાહ, નાગરિકસત્તાક દિન, 2026








