ડેડીયાપાડા: હળપતિ સેવા સંઘ, બારડોલી સંચાલિત આશ્રમ શાળા સામરપાડા, ડેડીયાપાડા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા સૌના દિલ જીતી લીધા હતા.
Decision News ને મળેલી જાણકારી મુજબ કાર્યક્રમની શરૂઆત સવારે 8:00 કલાકે મુખ્ય અતિથિ શ્રી વિજયભાઈના હસ્તે ધ્વજવંદન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર.સી. શ્રી જયદીપસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને ‘જીવન અંજલિ થાજો’ પ્રાર્થના બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. શાળાના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ ‘જલવા જલવા’, ‘જિસ દેશ મેં ગંગા’ જેવા ગીતો પર દેશભક્તિ નૃત્ય રજૂ કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર પર વક્તવ્ય આપ્યા હતા. વસાવા અક્ષનાબેનએ અંગ્રેજીમાં વક્તવ્ય આપી સૌને પ્રભાવિત કર્યા હતા. સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા ડાંગી નૃત્ય અને ગરબાની રમઝટ જોવા મળી હતી.
‘આઝાદીનો અમૃત કાળ’ વિષય પર રજૂ થયેલા નાટકે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની યાદ અપાવી હતી. બાદમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમ બાદ ઉપસ્થિત વાલીઓ, મહેમાનો અને બાળકો માટે ભોજન સમારંભ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ અને ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો.











