વલસાડ: આજરોજ વસંત પંચમીના શુભ અવસર પર ઋતુરાજ વસંતના વધામણા અને જ્ઞાન, વિદ્યા, વાણી, સંગીત અને કળાની દેવી માસરસ્વતીની પૂજાનું પ્રાસંગિક મહત્વ સમજાય તે હેતુસર સંસ્થાના વિદ્યાર્થી અને સ્ટાફ માટે સામુહિક સરસ્વતી પૂજનનો કાર્યક્રમ સંસ્થાના આચાર્ય શ્રીમતિ રીંકુ શુક્લાના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયો.
કન્યા છત્રાલયના વોર્ડન શ્રીમતિ પારુલા પટેલ દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત સર્વેને જણાવેલ કે વસંત પંચમીનો દિવસ કોઇ પણ સ્વરૂપે રહેલ વિદ્યાની અભિલાષા રાખતા પ્રત્યેક માણસ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. નાના બાળક માટે પણ સૌથી પહેલા માતા સરસ્વતીની પૂજા પછી જ વિદ્યારંભ કરવામાં આવે છે. આવું કરવાથી માતા પ્રસન્ન થાય છે અને બુદ્ધિમાન અને વિવેકશીલ બનવાના આશીર્વાદ આપે છે. વિદ્યાર્થી માટે માતા સરસ્વતીનો સ્થાન સૌથી પહેલુ હોય છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓએ આ પ્રસંગે સંસ્થા ખાતે માસરસ્વતીની દિવ્ય- ભવ્ય પ્રતિમા વાળા આઇકોનીક સ્ટેચ્યુ સર્કલ અને પ્રજ્ઞા પ્રસાદમ – ઓપન લાયબ્રેરીને રંગ-બેરંગી પતંગ અને ફુલોના તોરણથી આકર્શક સુશોભન કર્યું હતું. સંસ્થાના રેક્ટર ડૉ. અમિત ધનેશ્વરે આ પ્રસંગે સર્વેને પેન, પુસ્તક અને સંગીતના સાધન ઇત્યાદિ વસ્તુઓની પ્રતીકાત્મક પુજાવિધી કરાવેલ અને તેનો સાંસ્કૃતિક સંદર્ભ અને અર્થની પણ છણાવટ કરેલ. વધુમાં ઉપસ્થિત સર્વે એ માસરસ્વતીને પ્રાર્થના કરેલકે જીવનમાં જ્ઞાન કિરણો, સંગીત, સુખ, શાંતિ, ધન, સંપત્તિ, સમૃદ્ધિ અને ખુશીઓના આશીર્વાદ આપે. સંસ્થાના એનએસએસ ઓફિસર શ્રી એન. જી. પટેલ અને શ્રીમતિ દિશાન્વી પી. દાસના સંચાલનમાં સંસ્થાના મોટી સંખ્યામાં સહભાગી બનેલ સ્ટાફ અને વિદ્યાર્થીગણએ કાર્યક્રમને સફળ બનાવવા સવિશેષ જહેમત ઉઠાવી હતી.











