પારડી: સાન્ડ્રા શ્રોફ નર્સિંગ કોલેજ, વાપીના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા ગામડાના સર્વાંગી વિકાસ અને આરોગ્ય જાગૃતિ માટે એક વિશેષ 7 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર વલસાડ જિલ્લાના ખેરલાવ ગામમાં આજથી શરૂ થઈ છે અને આગામી ૭ દિવસ સુધી ચાલુ રહેશે.
આ કાર્યક્રમનો શુભારંભ આજે ગામના આગેવાનો, સરપંચશ્રી મયંક પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા વિશેષ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યો હતો. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા નીચે મુજબની વિવિધ લોકહિતકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમ કે સમુદાય જાગૃતિ કાર્યક્રમ, આરોગ્ય અને શિક્ષણ વિષે સમજ, સ્વચ્છતા અભિયાન અને કચરા વ્યવસ્થાપન, ગામના પાણીના સ્ત્રોતોની સફાઈ અને જાળવણી, મહિલા અને બાળ આરોગ્ય સંબંધિત વ્યાખ્યાનો, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ વિષે કામગીરી કરાશે.
આ શિબિર ખેરલાવ ગામના લોકોના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને એકંદર વિકાસમાં મહત્વનું યોગદાન આપશે તેવી અપેક્ષા છે. શિબિરના સંયોજક અને કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું કે, “આપણા વિદ્યાર્થીઓ માત્ર નર્સિંગનું શિક્ષણ જ નહીં, પરંતુ સમાજસેવા અને લોકસેવાની ભાવના પણ વિકસાવી રહ્યા છે. આ શિબિર દ્વારા ગામજનો સાથે સીધો સંપર્ક સાધીને તેમની સમસ્યાઓ સમજવા અને તેના ઉકેલમાં મદદ કરવાનો પ્રયાસ કરીશું.” ગામના તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ NSS વિદ્યાર્થીઓને પૂરતું સહયોગ, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડે એવી અપીલ છે.











