નાનાપોંઢા: ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં લોકોનો વિકાસ અને સેવાભાવના પ્રત્યેનો વિશ્વાસ ફરી એકવાર પુરવાર થયો છે. ગુજરાત સરકારના માનનીય આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલા એક અભિવાદન કાર્યક્રમ પૂર્વે નાનાપોંઢા ખાતે આયોજિત રોડ શોમાં જનતાએ અભૂતપૂર્વ ઉત્સાહ અને પ્રેમ વરસાવ્યો હતો.
આ રોડ શોમાં વલસાડ-ડાંગ લોકસભા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધરમપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી સોનલબેન સોલંકી અને ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી ગણપતભાઈ વસાવા સહિતના વરિષ્ઠ જનસેવકો ઉપસ્થિત રહ્યા હતા. રસ્તાની બંને બાજુએ હજારોની સંખ્યામાં એકત્ર થયેલા આદિજાતિ ભાઈ-બહેનોએ ફૂલોની વર્ષા કરી, નારા લગાવ્યા અને પારંપરિક વાદ્યો-નૃત્યો સાથે આ જનસેવકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પ્રેમાળ પ્રતિસાદ જનતાના દૃઢ વિશ્વાસ અને જનસેવકો પ્રત્યેના અનન્ય સ્નેહની સ્પષ્ટ ઝાંખી કરાવે છે.
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, “જનતાનો આ પ્રેમ અમારા માટે સૌથી મોટું પ્રોત્સાહન છે. આદિજાતિ વિસ્તારોના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને રોજગારી માટેના કાર્યોને વધુ ઝડપથી આગળ ધપાવવા અમે પ્રતિબદ્ધ છીએ.”
રોડ શો પછી યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં પણ જનસમુદાયે ભાગ લીધો અને વિવિધ વિકાસ યોજનાઓના લાભો વિશે માહિતી મેળવી. આ સમગ્ર કાર્યક્રમ ભાજપ પાર્ટીના આદિજાતિ મોરચાના સક્રિય કાર્યકરો અને સ્થાનિક નેતાઓના સહયોગથી સફળતાપૂર્વક પાર પડ્યો. આ ઘટના દર્શાવે છે કે ગુજરાતના આદિજાતિ સમુદાયમાં વિકાસ અને સેવાના કાર્યો પ્રત્યે ઊંડો વિશ્વાસ છે, અને જનસેવકોના પ્રયાસોને લોકો પૂરેપૂરો સમર્થન આપી રહ્યા છે.











