કપરાડા: તાજેતરમાં સરકારી માધ્યમિક શાળા, વાવર દ્વારા પ્રકૃતિ પ્રત્યે લગાવ અને વિદ્યાર્થીઓમાં સમૂહ ભાવના કેળવાય તે હેતુથી એક સુંદર “વન ભોજન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રી મહેન્દ્રકુમાર પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવારે, સૂર્યકાંતભાઈ, નિર્મળાબેન, આરતીબેન, તથા, સતિષભાઈ, રાજુભાઈ, હરીકાકાએ હોંશભેર ભાગ લીધો હતો

વિદ્યાર્થીઓએ સ્વહસ્તે કરી ભોજનની તૈયારી:

આ વન ભોજનની ખાસિયત એ હતી કે વિદ્યાર્થીઓએ પોતે જ ઉત્સાહપૂર્વક ભોજન બનાવવાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજી સુધારવાથી લઈને ભોજન રાંધવા સુધીની કામગીરી પ્રકૃતિના ખુલ્લા વાતાવરણમાં કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને શ્રમનું મહત્વ અને સમૂહ કાર્યના પાઠ શીખવા મળ્યા હતા.

​પ્રકૃતિના ખોળે સહભોજન:

ખેતર અને વનરાજીના કુદરતી વાતાવરણમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકસાથે પંગતમાં બેસીને ભોજનનો આનંદ માણ્યો હતો. પાતળા નેટ પર બેસીને દેશી અંદાજમાં લેવાયેલા આ ભોજનમાં એક અલગ જ પ્રકારનો સંતોષ અને ભાઈચારો જોવા મળ્યો હતો.

​વિસરાતી પરંપરાઓનું જતન:

આચાર્ય મહેન્દ્રકુમાર પટેલ Decision News સાથે વાત કરતા કહે છે કે ભોજનની સાથે સાથે વિદ્યાર્થીઓએ કુદરતી વાતાવરણમાં જૂની દેશી રમતોની પણ મજા માણી હતી. પક્ષીઓના કલરવ વચ્ચે વિતેલી આ ક્ષણો વિદ્યાર્થીઓ માટે એક અણમોલ યાદ બની ગઈ હતી. શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓ પુસ્તકિયા જ્ઞાનની બહાર નીકળીને પ્રકૃતિ અને સંસ્કૃતિની વધુ નજીક આવે છે. શાળાના સિનિયર શિક્ષકશ્રી સૂર્યકાંતભાઈ ના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર સ્ટાફ પરિવાર મિત્રો દ્વારા સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં આજુબાજુની નજીકની શાળાના સ્ટાફ મિત્રો નેઆમંત્રણ આપવામાં આવ્યું હતું જેમણે પણ કાર્યક્રમમાં ભાગીદારી મેળવી સુંદર ભાવાવરણ જાળવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here