ચીખલી વાંસદા-ધરમપુર: છેલ્લા થોડા વર્ષોમાં ફળોના રાજા કેરીના ઉત્પાદન પર કુદરતી કહેર વરસતું આપણે જોઈ રહ્યા છે ત્યારે આ વર્ષ પણ લાંબા ચોમાસા બાદ હવે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ચીખલી/વાંસદા/ધરમપુર તાલુકાના આંબાવાડી વાળા ખેડૂતોની ઊંઘ હરામ થવા લાગી છે.
આદિવાસી ખેડૂતોની ફરિયાદ મુજબ હાલમાં તાપમાન અને ભેજના આ અસંતુલનવાળા વાતાવરણના લીધે આંબાવાડીઓમાં મંજરીઓ (મોર) કાળી પડીને ખરવા લાગી છે, જેનાથી આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મુશ્કેલી ઉભી થવાની આશંકા છે. દિવસે તાપમાનનો પારો 32-33 ડિગ્રી અને રાત્રિના સમયે તે 13થી 14 ડિગ્રીએ આવી જતો હોય છે. તાપમાનમાં 18 ડિગ્રી જેટલો મોટો તફાવત આંબા પર લાગેલી મંજરીઓ અને જુવારના દાણા જેવડી કેરીઓ ખરવાની શરૂઆતનું કારણ બની ગયો છે.
ખેડૂત માહલા જીગ્નેશનું કહેવું છે કે આ વર્ષ પણ અમારા જેવા આંબાવાડીવાળા ખેડૂતો માટે પડકારરૂપ જ બનવાનું છે અમે અત્યારથી જ આમ્રમંજરી બચાવવા દવાનો છંટકાવ કરી રહ્યા છે. પછી કેરીનું ફળ બચાવવા માટે પણ દવાનો મોટો ખર્ચો થશે આવક સામે જાવક વધશે અને દેવાદાર બનવાની ચિંતા અત્યારથી જ સતાવી રહી છે. સતત કેરીના ફળ પર ધ્યાન અને કાળજી સાથે દવાનો છંટકાવ જ હવે અમારા માટે એક વિકલ્પ છે.











