દાનહ: આજે પણ દાદરા નગર હવેલી ગામડાઓમાં એક એવું જીવન વહે છે જે શહેરના ઘોંઘાટથી અજાણ છે. અહીંના આદિવાસી સમુદાયો ખાસ કરીને વરલી, કોકણા, ધોડિયા અને અન્ય જાતિઓ – માટી સાથેના ઊંડા સંબંધને જીવંત રાખે છે. આ પ્રદેશની આબોહવા, જંગલો અને ખેતરોમાં રેહતા લોકો માટે ધરતી માત્ર જમીન નથી, પણ જીવનનો આધાર અને સંસ્કૃતિનું મૂળ છે.
આ ચિત્રમાં જોવા મળતી વાંકા વળેલા ખજૂરીના ઝાડ નીચે ઊભેલી માજીની આંખોમાં વર્ષોનો અનુભવ, સંઘર્ષ અને કુદરત સાથેની નિકટતા ઝલકે છે. અહીંના આદિવાસીઓ મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ચોખા, રાગી, મિલેટ્સ, શાકભાજી અને અન્ય પરંપરાગત પાકોની ખેતી કરીને તેઓ પોતાનું જીવન ચલાવે છે. પરંપરાગત અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ આજે પણ જીવંત છે. જે દાદરા નગર હવેલીના ગ્રામીણ જીવનનું પ્રતીક છે:
આ પ્રદેશમાં આદિવાસીઓની સંસ્કૃતિ કુદરત સાથે એકરૂપ છે. વારલી ચિત્રકળા, તરપા નૃત્ય અને પરંપરાગત તહેવારોમાં પણ માટી, વૃક્ષો અને પ્રકૃતિનું મહત્વ દેખાય છે. આજે પણ આ ગામડાઓમાં શહેરીકરણની અસર ઓછી છે અને લોકો પોતાની સાદગી તથા પરંપરાને ગર્વથી જીવે છે. જ્યાં ધરતીની સોડમ અને માનવીના મનની નિખાલસતા એકસાથે વસે છે. દાદરા નગર હવેલી આપણને યાદ અપાવે છે કે આધુનિકતાની દોડમાં પણ મૂળને વિસારી ન શકાય. દાદરા નગર હવેલી – જ્યાં માટી હજુ પણ જીવંત છે !
BY: મુકેશ પટેલ











