કપરાડા: વલસાડ જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં આવેલાં ગામોમાં આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. કપરાડા તાલુકા અને મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલા રોહિયાળ જંગલ વિસ્તારમાં ધસ ફળિયા તથા નાની પલસાણ ગામના ગવળી ફળિયામાં રહેતા અંદાજે 700થી વધુ કુટુંબો વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત જીવન જીવી રહ્યા છે.
રોહિયાળ જંગલના મુખ્ય માર્ગ પરથી મોર ચેવડા થઈ ધસ ફળિયા તરફ જતો માર્ગ અંદાજે ત્રણ કિલોમીટર લાંબો અને અત્યંત કઠિન ડુંગરાળ છે. દમણ ગંગા નદીની સામે કિનારે આવેલા આ બંને ફળિયામાં પહોંચવા માટે આજે પણ કોઈ પાકો રસ્તો નથી.ફક્ત માટી અને મેટલિંગનું કામ કરાયું છે,પરંતુ નવો પાક્કો માર્ગ હજુ સુધી બન્યો નથી. તેના લીધે આ વિસ્તારમાં 108 જેવી ઈમરજન્સી સેવા પણ પહોંચી શકતી નથી.ઉપરાંત આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા,પ્રાથમિક આરોગ્ય સુવિધા જેવી કોઈ પણ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી. આઝાદીના 79 વર્ષ બાદ પણ આદિવાસી ગરીબ પરિવારોને વિકાસથી વંચિત રાખવામાં આવ્યા હોવાનું સ્થાનિકોમાં ભારે અસંતોષ છે.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે ગામના સ્થાનિકો ભારે આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે “અમારા ગામના લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. વર્ષોથી અમે પાયાની સુવિધાઓ માટે રજૂઆતો કરીએ છીએ,છતાં કોઈ પણ પ્રકારની સુવિધા મળી નથી. અમારા ફળિયાના લોકોએ આજ સુધી સારો રસ્તો કે સરકારી સુવિધા જોઈ નથી.અમે ગુલામોની માફક બળતરા જીવન જીવવા મજબૂર છીએ.”
સ્થાનિક રહેવાસીઓએ સરકાર અને તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે કે આ બંને ફળિયામાં તરત જ પક્કો રસ્તો, આરોગ્ય સેવા, શિક્ષણની સુવિધા તથા અન્ય તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી આદિવાસી પરિવારોને પણ વિકાસની મુખ્ય ધારા સાથે જોડી શકાય.
ઉપરાંત ધરમપુર સુથારપાડા રોડ વિશે અસંખ્ય ફરિયાદો થયેલ છે અને કહેવાતા 467 કરોડ રૂપિયા મંજુર થયેલ છે પણ એ ચમત્કારીક રસ્તો એક સાઈડથી સારો અને બીજી બાજુથી પસાર થનાર મોઢામાંથી સિસ્ટમને ગાળો આપ્યા વગર પસાર થાય તો એ માણસ સંતત્વ પ્રાપ્ત કરી ચૂકેલ કહેવાય એવી પરિસ્થિતિ હાલમાં પણ છે.કપરાડા તાલુકો આદિવાસી અને ગરીબ લોકોની બહુમતી ધરાવતો હોવાથી અવાજ ઉઠાવનાર કોઈ નહીં હોય સતત અન્યાયનો ભોગ બની રહ્યો છે.સરકારે હવે આ બાબતે ગંભીરતાથી નોંધ લઇ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.











