વલસાડ: વલસાડ જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. અંડર 19 વર્લ્ડકપની પોતાની ડેબ્યૂ મેચમાં જ વલસાડના સ્પીડ સ્ટાર હેનિલ પટેલે શાનદાર પ્રદર્શન કરીને વિશ્વ ક્રિકેટનું ધ્યાન ખેંચ્યું છે. પોતાની ધારદાર અને સ્વિંગ થતી બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનોને રીતસરના ઘૂંટણિયે લાવી દીધા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ હેનિલે માત્ર 7 ઓવરની બોલિંગમાં માત્ર 16 રન ખર્ચ્યા હતા અને સામે પક્ષે મહત્વની 5 વિકેટો ઝડપીને ‘ફાઈવ વિકેટ હોલ’ પોતાના નામે કર્યો હતો. હેનિલ પટેલના આ શાનદાર સ્પેલને કારણે ભારતની જીતનો માર્ગ મોકળો થયો છે. સ્થાનિક સ્તરે વલસાડની ગલીઓમાંથી ક્રિકેટ શરૂ કરનાર હેનિલ આજે આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યો છે.
તેની આ સિદ્ધિ બદલ વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને સ્થાનિક ક્રિકેટ જગતમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રમત પ્રત્યેની તેની મહેનત અને નિષ્ઠાને કારણે તેને ‘સ્વીંગનો કિંગ’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આગામી મેચોમાં પણ હેનિલ પાસેથી આવા જ શાનદાર પ્રદર્શનની આશા છે.











