સામરપાડા: શિક્ષણ અને સંસ્કારનું ભાથું પીરસતી આશ્રમશાળા સમરપાડા ખાતે આજે એક ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આદરણીય શિક્ષિકા કૈલાસબેન અને શિક્ષક આદેશભાઈની જિલ્લા પંચાયતની શાળામાં પસંદગી થતા, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા તેમને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
Decision News ને પ્રાપ્ત વિગતો મુજબ કૈલાસબેન અને આદેશભાઈએ આશ્રમશાળામાં લાંબા સમય સુધી પોતાની નિષ્ઠાપૂર્વક સેવાઓ આપીને વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે. કાર્યક્રમ દરમિયાન બંને શિક્ષક મિત્રોનું શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. વિદાય વેળાએ શાળાના સાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભાવુક જણાયા હતા. સહકર્મચારીઓએ તેમના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમની શિક્ષણ પદ્ધતિના વખાણ કર્યા હતા.
જિલ્લા પંચાયતમાં નવી જવાબદારી સંભાળવા જઈ રહેલા બંને શિક્ષકોને ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર સામરપાડા શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.











