ઘોઘંબા: ગતરોજ ઘોઘંબા તાલુકાના ગુંદી ગામના રાઠવા ફળિયામાં રહેતા ધોરણ–9 માં અભ્યાસ કરતા 14-15 વર્ષના વિદ્યાર્થી યુવરાજ વદેશીહ રાઠવાનો શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાથમિક તપાસ મુજબ યુવરાજનો મૃતદેહ ઇલેક્ટ્રિક વાયરથી કરંટ લાગેલી હાલતમાં મળી આવ્યો હતો. વધુ તપાસ કરતાં એવું લાગી રહ્યું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા યુવરાજને ખેતરમાંથી નજીક આવેલા કોતરના પાણીવાળા ભાગમાં ફેંકી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે આ દુર્ઘટના તારીખ 9 જાન્યુઆરીના રોજ બની હોવાનું સામે આવ્યું છે. શુક્રવારનો દિવસ હોવાથી શાળા ચાલુ હતી, પરંતુ યુવરાજ તે દિવસે શાળા સુધી પહોંચ્યો નહોતો તેવી માહિતી સ્થાનિક લોકો દ્વારા મળી રહી છે.
Decision News ને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર યુવરાજ સહિત કુલ 5 વિદ્યાર્થીઓ કોઈ સીમ વિસ્તાર તરફ ગયા હતા. તે વિસ્તારમાં આજુબાજુના ખેતરોમાં ખેતી માટે ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક વાયર લગાવવામાં આવ્યા હતા. સંભવતઃ આ વિદ્યાર્થીઓ આગળ વધતાં ખેતરમાં લગાવેલા ઇલેક્ટ્રિક વાયરનો સંપર્ક થતાં યુવરાજને કરંટ લાગ્યો હોય તેવું માનવામાં આવે છે.
આ ઉપરાંત સ્થાનિક લોકોએ એવી પણ શંકા વ્યક્ત કરી છે કે કોઈ ખેતર માલિક દ્વારા પુરાવા નષ્ટ કરવાના ઇરાદે યુવરાજના મૃતદેહને કોતરના પાણીવાળા ભાગમાં ફેંકી દેવામાં આવ્યો હોઈ શકે છે. આ બનાવ અંગે તાત્કાલિક ન્યાયસંગત અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ અને પરિવારજનો દ્વારા માંગ ઉઠી છે.
BY: પ્રકાશ વસાવા











