અમદાવાદ: લોહી નીકળતે ચરણે, ભાઇ એકલો જાને રે ! 21 ડીસેમ્બર 2025ના રોજ, સુરતના નૈષધ દેસાઈના ‘ઈશ્વર ફાર્મ’માં સાંજે 6.00 થી 8.30 દરમિયાન ઐતિહાસિક દસ્તાવેજોના આધારે ગાંધીજીની હત્યા પાછળના ખરાં કારણો દર્શાવતો કાર્યક્રમ- ‘વાચિકમ્’માં ઉપસ્થિત રહેવાનું બન્યું.

અગાઉ 30 જાન્યુઆરી 2025 ના રોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં ‘સ્ક્રેપયાર્ડ’માં આ ‘વાચિકમ્’ કાર્યક્રમ નિહાળ્યો હતો. પ્રો. હેમંતકુમાર શાહ તથા પ્રો. આત્મન શાહ દ્વારા રજૂ થતો આ કાર્યક્રમ અદભૂત છે. કાર્યક્રમની શરુઆતમાં, વચ્ચે અને અંતમાં ડો. નરેન્દ્ર શાસ્ત્રી દ્વારા પ્રસંગોચિત ગીતો રજૂ થાય છે તે કાર્યક્રમને હ્રદયસ્પર્શી બનાવે છે.

પ્રસિદ્ધ લેખક કહે કે અશોકકુમાર પાંડેયના પુસ્તક ‘ગોડસેને ગાંધી કો ક્યો મારા?’ના અંશોનું વાચિકમ્ દોઢ કલાક સુધી ચાલ્યું અને 100થી વધુ નિસબત ધરાવતા નાગરિકો બિલકુલ શાંત ચિત્તે માણતા રહ્યા. આ પુસ્તકના મહત્વના અંશોનું પઠન એટલે આ કાર્યક્રમ.

આ કાર્યક્રમમાં ગાંધીહત્યા સાથે સંબંધિત ઘણીબધી નાનીમોટી ઐતિહાસિક હકીકતો જાણવા મળી. એમાંની કેટલીક હકીકતો આ મુજબ છે:
[1] નથુરામ ગોડસેએ ગાંધીને મારી નાખવા માટે પાકિસ્તાનને ₹ 55 કરોડ આપવા અંગેનું બહાનું શોધી કાઢેલું. હકીકતમાં ગાંધીની હત્યાને એ પ્રશ્ન સાથે કશી લેવાદેવા નહોતી. કેમકે 55 કરોડનો પ્રશ્ન ઉદભવ્યો ન હતો ત્યારે પણ ગાંધીજીની હત્યાનો પ્રયાસ ગોડસેએ કર્યો હતો. ગોડસેએ અદાલત સમક્ષ જે નિવેદન આપેલ તેમાં કુતર્ક છે. ગાંધીજીની હત્યા માટેનું કારણ જુદું જ હતું !

[2] નથુરામ તેમના સાગરીતો સાથે ગાંધીની હત્યા માટે દિલ્હી જતાં અગાઉ વિનાયક દામોદર સાવરકરને મુંબઈમાં મળેલા ત્યારે સાવરકરે તેમને કહેલું કે: ‘યશસ્વી થાઓ !’

[3] વિનાયક સાવરકરને કપૂર પંચે 1969 માં ગાંધીની હત્યા માટે લગભગ દોષિત ઠેરવેલા.

[4] અંગ્રેજોના ગયા બાદ ભારતમાં નથુરામ, સાવરકર અને તેમના જેવાઓ રૂઢિચુસ્ત પેશ્વા રાજ- બ્રાહ્મણ રાજ સ્થાપવા માગતા હતા અને ધર્મનિરપેક્ષ તથા સમાનતામૂલક લોકશાહી ઇચ્છતાં ગાંધી તથા કોંગ્રેસ એમના માર્ગમાં અવરોધરૂપ હતા, એટલે જ ગાંધીની હત્યા થઈ.

[5] વિનાયક સાવરકર તો મહંમદ અલી ઝીણાની જેમ જ ભારતમાં બે રાષ્ટ્રો વસે છે. ભારતના ભાગલા માટે તો એ બંને જવાબદાર હતા, ગાંધી ભાગલા માટે જવાબદાર હતા એવો એક પણ પુરાવો મળતો નથી.

[6] 1942માં આખો દેશ જ્યારે ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયેલો હતો ત્યારે નથુરામના સાથીઓ અને સાવરકર અંગ્રેજોને સાથ આપતા હતા. તેઓ અંગ્રેજ સેનામાં હિન્દુઓની ભરતી માટે અભિયાન ચલાવતા હતા જે સેના સુભાષચંદ્ર બોઝની ‘આઝાદ હિંદ ફોજ’ સામે લડતી હતી !

[7] ગાંધીજીની હત્યા ભગવાનોએ જ કરી : (1) નથુરામ ગોડસેનું મૂળ નામ જ રામચંદ્ર હતું. નથુરામ ચિતપાવન બ્રાહ્મણ. (2) નથુરામનો ભાઈ ગોપાલ ગોડસે ચિતપાવન બ્રાહ્મણ. (3) નારાયણ દત્તાત્રેય આપ્ટે. નારાયણ એટલે ભગવાન વિષ્ણુ. તે પણ ચિતપાવન બ્રાહ્મણ. (4) વિષ્ણુ રામચંદ્ર કરકરે. વિષ્ણુ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટીમાંના એક. એ પણ ચિતપવન બ્રાહ્મણ. (5) દત્તાત્રેય સદાશિવ પરચુરે. દત્તાત્રેય પણ ભગવાન અને સદાશિવ તો ભગવાન ખરા જ. એ પણ ચિતપાવન બ્રાહ્મણ. (6) શંકર કિસ્તૈયા. ભગવાન શંકર કે જે ભગવાનની ત્રિપુટીમાંના એક. (7) મદનલાલ કશ્મીરીલાલ પાહવા. મદન એટલે કામદેવ. કાળીનાગને યમુના નદીમાં નાથનારા મદનગોપાલ કહેવાયા તે કૃષ્ણ. (8) પુરાવાને અભાવે છોડી મૂકવામાં આવેલા, તે વિનાયક દામોદર સાવરકર. વિનાયક એટલે વિઘ્નહર્તા ગણપતિ. તે પણ ચિતપાવન બ્રાહ્મણ. હત્યામાં બ્રાહ્મણોનું જૂથ શું સૂચવે છે?

[8] અસ્પૃશ્યતા નિવારણનું ગાંધીનું આંદોલન રૂઢિચુસ્ત ગોડસે અને સાવરકર આણી મંડળી અને તેમની હિન્દુ મહાસભાને ગમતું નહોતું. ગાંધીની હત્યા માટેનું એ એક મહત્ત્વનું કારણ હતું.

1 મે 2025ના રોજ, સુરતના ટીમલિયાવાડી રોટરી હોલમાં સાંજે 6.45 વાગ્યે વાચિકમ્ કાર્યક્રમ હતો. પરંતુ રાષ્ટ્રપિતા ગાંધીજી અંગે ભ્રમ/ જૂઠ્ઠાણાંનો પર્દાફાશ કરવાનું સ્વાતંત્ર્ય સુરત પોલીસ કમિશનરને ખૂંચ્યું હતું; કદાચ તેમના શરીરમાં છૂપાયેલો ગોડસે હાવી થઈ ગયો હતો એટલે વાચિકમ્ કાર્યક્રમ થવા દીધો ન હતો. શરમજનક બાબત એ હતી કે સુરત પોલીસ કમિશનરે કોઈ લેખિત હુકમ વિના જ, હોલના ટ્રસ્ટીઓને ધમકી આપીને આ કાર્યક્રમ રદ કરાવ્યો હતો ! શું આ કાર્યક્રમથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે તેમ હતી? શું લોકો તરફથી કોઈ વાંધા-અરજી મળી હતી? ના. RSSની અસલિયત ઉજાગર કરતો કાર્યક્રમ ન થવા દઈ પોલીસ કમિશનરે સરકારની ચાપલૂસી કરવાની તક ઝડપી લીધી હતી ! વીર નર્મદના શહેરમાં ગાંધીની હત્યા કેમ થઈ તેની વાત પણ ન થઈ શકે? ગાંધી-હત્યા અંગે ગોડસે ગેંગ જૂઠ ફેલાવી રહી છે, તે પોલીસ કમિશનરને ગમ્યું હશે. ગાંધી-હત્યાનો વિરોધ એટલે થવો જોઈએ કે વિચારનો જવાબ વિચારથી આપવો જોઈએ નહીં કે હત્યાથી !

જે કામ ગુજરાત સરકારે/ ગાંધીવાદી સંસ્થાઓએ કે કોંગ્રેસે કરવું જોઈએ તે કામ આ હેમંતકુમાર શાહ કરે છે. કાર્યક્રમની શરૂઆતમાં આ ગવાતું આ ગીત ઘણું ઘણું અભિવ્યક્ત કરે છે :
“તારી જો હાક સુણી કોઇ ના આવે,
તો એકલો જાને રે !

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી !
સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી,
સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે !

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી !
સૌએ પાછાં જાય;
જ્યારે રણવગડે નીસરવા ટાણે,
સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તારે લોહી નીકળતે ચરણે
ભાઇ એકલો જાને રે…

આવો કાર્યક્રમ ભાગ્યેજ જોવા/ સાંભળવા મળે. અસંખ્ય ફેસબૂક મિત્રોને મળવાનો મોકો પણ મળ્યો. કાર્યક્રમના અંતે આયોજક નૈષધ દેસાઈએ ટકોર કરી કે ‘ભલે આવા કાર્યક્રમમાં ગોડસેવાદી ન આવે પણ વિપક્ષના નેતાઓની ગેરહાજરી કેમ? યુવાનોની ગેરહાજરી કેમ?’

BY: રમેશ સવાણી 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here